17 November, 2023 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કોઈ પણ અવરોધ વિના મેટ્રો કનેક્ટિવિટી માટે મુંબઈકરોનું સપનું વાસ્તવિકતા બનવાની ખૂબ જ નજીક છે, કારણ કે મેટ્રો લાઇન ૭-એ (રેડ લાઇન) પર સેકન્ડ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) મૂકવામાં આવ્યું છે. ટીબીએમ જે ટી-૬૦ નામથી ઓળખાય છે એ ચોથી નવેમ્બરે કાર્યરત થયું છે. અંધેરીને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને જોડતી મેટ્રો લાઇન ૭-એ અંધેરીને ભાઈંદર સાથે જોડશે. સમગ્ર ટનલિંગ પ્રોજેક્ટ ૨૦૨૪ સુધીમાં પૂરો થવાની ધારણા છે. આ રૂટ એક વખત કાર્યરત થયા પછી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરની સફરના સમયને ૩૦ મિનિટથી ૬૦ મિનિટ સુધી ઘટાડવાની કલ્પના છે.
એમએમઆરડીએએ ટ્વીટ કર્યું હતું કે ‘બીજા ટનલ બોરિંગ મશીન ટી-૬૦એ મેટ્રો લાઇન ૭-એ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, જે ભાઈંદરને આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ સાથે જોડશે. ટીબીએમની પ્રારંભિક ડ્રાઇવ એક મહિનાની અંદર પૂરી થવાનો અંદાજ છે અને અંતિમ ડ્રાઇવ જૂન ૨૦૨૪ સુધીમાં પૂરી થવાની ધારણા છે. ૩.૪૨૨ કિલોમીટરની ટનલ સાથે ૨.૪૯ કિલોમીટરની ટ્વીન ટનલ મેટ્રો લાઇન ૭-એ પ્રોજેક્ટ મુંબઈના ટ્રાન્સપોર્ટ લૅન્ડસ્કેપ પર અસર કરશે. ઉપરાંત કોલાબા-બાંદરા-સીપ્ઝને જોડતા એમએલ ૩ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર વધુ એક મેટ્રો સ્ટેશન હશે. ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરનાં બે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન કૉન્કૉર્સ લેવલ પર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ સુધી પહોંશે. આગળ જઈને એ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને એમએલ ૮ દ્વારા કનેક્ટ કરવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે શહેરની કનેક્ટિવિટી વધારવામાં મદદ કરશે.