મેટ્રો-૩ના વિરોધમાં આજે ગિરગામ, ચીરાબજાર અને ગ્રાન્ટ રોડ બંધ

18 March, 2015 03:33 AM IST  | 

મેટ્રો-૩ના વિરોધમાં આજે ગિરગામ, ચીરાબજાર અને ગ્રાન્ટ રોડ બંધ



કોલાબા-બાંદરા-સીપ્ઝ વચ્ચે દોડનારી મેટ્રો-૩ના પ્રોજેક્ટને કારણે સાઉથ મુંબઈના ગિરગામ વિસ્તારમાં વિસ્થાપિત થનારા લોકોના પુનર્વસન માટે કોઈ નક્કર યોજનાના અભાવે રહેવાસીઓ ભારે રોષમાં છે અને આજે તેઓ ચીરાબજાર, ગિરગામ અને ગ્રાન્ટ રોડ વિસ્તારમાં બંધ પાળીને તેમનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. આ બંધની હાકલ ચીરાબજાર-ગિરગામ-ગ્રાન્ટ રોડ રહિવાસી બચાવ કૃતિ સમિતિએ આપી છે. શિવસેનાએ પણ મેટ્રો-૩ના પ્રોજેક્ટનો વિરોધ કર્યો હોવાથી આ બંધને સફળતા મળવાની શક્યતા છે.

મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન છેલ્લા એક મહિનાથી પુનર્વસન સંબંધે સ્થાનિક રહેવાસીઓ સાથે ચર્ચા કરે છે, પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. જ્યાં સુધી વિસ્થાપિત થનારા લોકોનું પુનર્વસન એ જ વિસ્તારમાં નહીં થાય ત્યાં સુધી એક પણ વ્યક્તિ ઘર ખાલી કરીને નહીં જાય એવો નિર્ણય સ્થાનિક લોકોએ કર્યો છે.

સોમવારે પણ મેટ્રો રેલવેના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ત્રણ કલાક લાંબી બેઠક યોજાઈ હતી, પણ એમાં કોઈ ઉકેલ નહોતો આવ્યો. આ પ્રોજેક્ટની યોજનામાં થોડો ફેરફાર કરીને એને ચર્ચગેટ કે મેટ્રો સિનેમાના માર્ગે વાળવાની સૂચના લોકોએ કરી હતી, પણ એ ટેક્નિકલ કારણોસર શક્ય ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

લોકોને એટલા માટે ગુસ્સો આવ્યો છે કે તેમના પુનર્વસનની કોઈ યોજના ન હોવા છતાં તેમને ઘર ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. શિવસેનાએ એવો આગ્રહ રાખ્યો છે કે પહેલાં પુનર્વસન કરો અને પછી જ સ્થળાંતર કરવામાં આવશે.

આજે સવારે આશરે ૫૦૦૦ લોકો સાઇલન્ટ પ્રોટેસ્ટ માર્ચ કાઢશે. ૧૦ વાગ્યે આ માર્ચ તુલસી સ્ટ્રીટથી શરૂ થશે અને મેટ્રો-૩થી પ્રભાવિત થનારા વિસ્તારોમાંથી પસાર થઈ ગિરગામ પહોંચશે.

વિરોધ સામે શું છે અધિકારીઓના જવાબ


ગિરગામના લોકોનો વિરોધ

મેટ્રો રેલવે માર્ગને ચર્ચગેટ અને મેટ્રો સિનેમા એમ બે જગ્યાએ વાળી દો.

ગિરગામ અને કાલબાદેવીમાં રેલવે-સ્ટેશન નથી જોઈતાં.

આ વિસ્તાર માટે એલિવેટેડ કૉરિડોરનો વિચાર કરો.

જે લોકો વિસ્થાપિત થાય છે તેમને ત્યાં જ કે ૫૦૦ મીટરના પરિસરમાં જગ્યા આપો.

મેટ્રો કૉર્પોરેશનનો જવાબ - ટેક્નિકલ કારણોસર એ શક્ય નથી.

એ શક્ય નથી, પ્લાનિંગ અગાઉ થઈ ગયું છે.

ટેક્નિકલ કારણોસર એ શક્ય નથી.

આ બાબતે ચીફ મિનિસ્ટર સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશું.

ગિરગામમાં કયાં બિલ્ડિંગ તૂટવાનાં છે?

મેટ્રો-૩ પ્રોજેક્ટમાં કાલબાદેવી અને ગિરગામ સ્ટેશનો માટે જે બિલ્ડિંગો તૂટવાનાં છે એમાં વિઠ્ઠલદાસ બિલ્ડિંગ, અન્નપૂર્ણા નિવાસ, ક્રાન્તિનગરની એકતા સોસાયટી, ધૂત પાપેશ્વર, શ્રી રતન નિવાસ, સ્વામી નિવાસ, નર્મદા દેવી ટ્રસ્ટ બિલ્ડિંગ, કોટકર બિલ્ડિંગ-નંબર ૧૭, બિલ્ડિંગ-નંબર ૧૯, સબિના બિલ્ડિંગ/તલાટી હાઉસ, તોડીવાલા બિલ્ડિંગ, મુન્નાલાલ મૅન્શન A અને B, સોના ચેમ્બર, ફિશ માર્કેટ, હેમ વિલા, ચટવાલ બિલ્ડિંગ, ખાન હાઉસ, બિલ્ડિંગ-નંબર ૫૯૧, બિલ્ડિંગ-નંબર ૫૯૩, બિલ્ડિંગ-નંબર ૫૯૫, રાજશીલા બિલ્ડિંગ, કાપડિયા બિલ્ડિંગ, ચીરાબજાર ૬૦૫ અને ૬૦૭નો સમાવેશ છે.

કુલ કેટલાં સ્ટ્રક્ચર તૂટશે?

મેટ્રો-૩ માટે કોલાબાથી આરે કૉલોની સુધીમાં ૨૨૨૩ બિલ્ડિંગો તૂટવાનાં છે અને એ સિવાય માહિમમાં ૨૪૧ સ્ટ્રક્ચર્સ તૂટવાનાં છે. ૨૨૨૩ બિલ્ડિંગો પૈકી ૧૫૪૪ રહેવાસી બિલ્ડિંગો, ૫૭૬ કમર્શિયલ બિલ્ડિંગો, ૭૧ રેસિડેન્શિયલ અને કમર્શિયલ બિલ્ડિંગો અને ૭૨ અન્ય સ્ટ્રક્ચર છે.

રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ મેળવવામાં આવેલી માહિતી પ્રમાણે અંધેરી MIDCમાં સૌથી વધારે ૬૨૮ સ્ટ્રક્ચરોને અસર પડવાની છે, એ પછી ગિરગામમાં ૩૫૫, કાલબાદેવીમાં ૨૯૪, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ૨૬૪ અને આરે કૉલોનીમાં ૨૬૨ સ્ટ્રક્ચરોને અસર થવાની છે. એવી પણ જાણકારી મળી છે કે આ મેટ્રો-૩ના પ્રોજેક્ટના વિરોધમાં રહેવાસીઓની એક પણ ફરિયાદ મેટ્રો કૉર્પોરેશનને નથી મળી.

ક્યાં થશે પુનર્વસન?


પ્રોજેક્ટ-અફેક્ટેડ લોકો પૈકી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને વડાલાના ભક્તિ પાર્ક પાસે અને ઓશિવારાના વન્ડરલૅન્ડ પાસે ૨૬૯ સ્કવેર ફીટનાં ઘર આપવામાં આવશે. બીજા લોકોને ચકાલા, વિદ્યાવિહાર અને કુર્લામાં ઘર આપવામાં આવશે.

શા માટે વિરોધ?

૧. ૨૮ બિલ્ડિંગોના ૭૭૭ પરિવારો વિસ્થાપિત થશે.

૨. વિસ્થાપિત લોકોનું પુનર્વસન કેવી રીતે થશે એની કોઈ યોજના નથી.

૩. ભવિષ્યમાં જગન્નાથ શંકર શેટ રોડ પરનાં તમામ બિલ્ડિંગો પ્રોજેક્ટ-અફેક્ટેડ રહેશે.

૪. જૂનાં બિલ્ડિંગોનું રીડેવલપમેન્ટ થઈ શકશે નહીં.