ટ્રૅક પર ચાલતા માથાભારે યુવકને કારણે ૧૭ મિનિટ સુધી મેટ્રો 1 ઠપ

19 June, 2026 07:26 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સિક્યૉરિટી ગાર્ડે ટ્રૅક પર ચાલીને ૪૦ મિનિટ સુધી પીછો કર્યા પછી કરી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-વર્સોવા વચ્ચે ચાલતી મેટ્રો 1ના અંધેરી અને આઝાદનગર સ્ટેશન વચ્ચે એક માથાભારે યુવક પાટા પર ઊતરી જતાં મેટ્રો સર્વિસ ૧૭ મિનિટ માટે બંધ કરવી પડી હતી. બુધવારે બપોરે બનેલા આ બનાવ બાદ મેટ્રોની સિક્યૉરિટી ટીમે ૪૦ મિનિટ સુધી યુવકનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. 

પોલીસે આપેલી માહિતી મુજબ લગભગ ૩.૪૧ વાગ્યે સ્ટેશન-કન્ટ્રોલરે સિક્યૉરિટી ગાર્ડ્સને ઇમર્જન્સી મેસેજ આપીને જાણ કરી કે અંધેરી મેટ્રો સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર બે પરથી એક યુવક પાટા પર ઘૂસી ગયો છે જેને લીધે મેટ્રો-સર્વિસ બંધ કરવામાં આવી છે. 

અભિનંદન સુળે નામનો યુવક પાટા પર ચાલીને આઝાદનગર મેટ્રો સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે ગાર્ડે પાટા પર દોડીને તેનો પીછો કર્યો હતો. લગભગ ૪૦ મિનિટ સુધી તેની પાછળ દોડીને આખરે આઝાદનગર મેટ્રો સ્ટેશન પરથી યુવકને પકડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને પૂછપરછ માટે અંધેરી મેટ્રો સ્ટેશન પર પાછો લાવવામાં આવ્યો હતો. અંધેરી પોલીસે યુવક સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધી તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આવી હરકતની સજા શું છે?
મેટ્રો કૉરિડોરના પ્રતિબંધિત વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવેશ અને મેટ્રો ટ્રૅક પર ગેરકાયદેસર રીતે ચાલવાની સજારૂપે ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને થઈ શકે છે. ટ્રેન-ઑપરેશન્સ રોકવા બદલ ૪ વર્ષ સુધીની કેદ અને ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

- ડી. વક્તાણિયા અને રાજેન્દ્ર બી. અકલેકર

mumbai news mumbai mumbai metro ghatkopar versova