22 August, 2024 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજકાલ યુવાનોમાં ઘેરબેઠાં ઑનલાઇન ખાવાનું મગાવવાની સિસ્ટમ જોરદાર ચાલી રહી છે. દેશ-વિદેશમાં ૫૦૦૦થી વધુ મેમ્બરો ધરાવતા આંતરરાષ્ટ્રીય અગ્રવાલ સંમેલન દ્વારા એક મેસેજ વાઇરલ કરીને સમાજના યુવાનોને ઑનલાઇન ખાવાનું મગાવવા સામે લાલ બત્તી ધરીને સાવધાન કરવામાં આવ્યા છે. આ મેસેજને અગ્રવાલ સમાજના અનેક પરિવારોએ આવકાર આપ્યો છે, પણ એનાથી વધારે આવકાર સોશ્યલ મીડિયા પર આપવામાં આવ્યો છે. અગ્રવાલ સમાજની આ પહેલને દરેક સમાજે આજના કાળમાં અપનાવવી જોઈએ એવી અપીલ લોકો કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય અગ્રવાલ સંમેલનના આ મેસેજમાં સમાજ સાવધાનના હેડિંગ હેઠળ કહેવામાં આવ્યું છે કે ‘ઑનલાઇન ખાના મંગાના બંધ હોના ચાહિએ. ઇસમેં ઝ્યાદાતર આવારા લડકે હી હૈં. ઇસસે વો હમારે ઘર તક પહુંચ ગએ હૈં. ઉનકો મોબાઇલ નંબર મિલ જાતા હૈ, ઘર કા ઍડ્રેસ મિલ જાતા હૈ. આનેવાલે સમય મેં પરિસ્થિતિ અતિ ભયાનક હોગી. અગર ઇમર્જન્સી હો તો ભી ઘર કી મહિલાઓ એવમ બેટિયોં કે ફોન સે બુકિંગ ન કરેં. ખુલે દિમાગ સે અવશ્ય ચિંતન કરેં.’
અમે ૨૦૧૯માં આ સંમેલનની સ્થાપના જ સમસ્ત અગ્રવાલ સમાજના લોકોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી કરી છે એમ જણાવતાં આ સંસ્થાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને કલકત્તાના બિઝનેસમૅન રાજકુમાર મિત્તલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ સંસ્થાની સ્થાપના સામાજિક કુરીતિઓને દૂર કરવા, પરંપરાઓનું અવલોકન કરીને યુગને અનુરૂપ પ્રગતિશીલ માર્ગ અપનાવવા કરી છે. અમે સૌથી પહેલાં અમારા સમાજમાં રાતના સમયે લગ્ન કરવાની અને ફેરા ફરવાની જે પ્રથા શરૂ થઈ છે એને બંધ કરીને સમાજના લોકોને દિવસના સમયે લગ્ન અને ફેરા ફરવાનો અનુરોધ કર્યો છે.
આધુનિક સમયમાં હવે પ્રી-વેડિંગ શૂટની ફૅશન સમાજ અને મુખ્યત્વે બહેન-દીકરીઓ માટે દૂષણજનક છે જેથી અમે એના પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અમે સમાજ-સુધારણા માટે આ બે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા પછી હવે લોકોને ઑનલાઇન માલ મગાવવા કે ખાવાનું મગાવવા સામે લાલ બત્તી ધરી છે. એમાં અમને સમાજના યુવાવર્ગનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હજી સુધી ઑનલાઇન ખાવાનું મગાવવા જતાં સમાજમાં કોઈ અણબનાવ બન્યો નથી, પણ અમે આગ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે બહેન-દીકરીઓને અત્યારથી સાવધાન કરીને સમાજને સુરક્ષિત કરવા માગીએ છીએ. એટલે અમે સમાજને સાવધાન કરતા મેસેજને વાઇરલ કર્યો છે જે ફક્ત અમારા સમાજને જ નહીં, પણ આજના યુગમાં અન્ય સમાજ માટે પણ હિતકારી બનશે. આ બાબતમાં દરેક સમાજે વિચારવાનો સમય હવે પાકી ગયો છે.’
અમારા સમાજે લીધેલા નિર્ણયને અમે આવકારીએ છીએ એમ જણાવતાં પવઈના હીરાનંદાનીમાં રહેતા અગ્રવાલ સમાજના વિષ્ણુપ્રસાદ અગ્રવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજના ડિજિટલ યુગમાં અને વર્ક ફ્રૉમ હોમના જમાનામાં યુવાનો ઈઝી વે અપનાવીને જિંદગી જીવી રહ્યા છે. ઈઝીનેસથી ક્યારેક દુર્ઘટના સંભવિત બની શકે છે. આથી જ સમાજના અગ્રણીઓએ મેસેજ વાઇરલ કરીને આજની યુવા પેઢીને સાવધાન કરી છે.’