વેપારીઓને જોઈએ છે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ

06 March, 2021 09:07 AM IST  |  Mumbai | Rohit Parikh

વેપારીઓને જોઈએ છે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ

ફામના અધ્યક્ષ વિનેશ મહેતા

કોરોનાકાળમાં વેપારીઓ ભયંકર આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આવા સમયે તેમને સરકાર તરફથી યેનકેન રીતે આર્થિક સહાય મળે એ ઉદ્દેશથી મહારાષ્ટ્ર સરકારે વૅટ, સર્વિસ ટૅક્સ અને પ્રોફેશનલ ટૅક્સનાં લેણાંનાં વર્ષો જૂનાં સેટલમેન્ટ જલદીથી થઈ શકે એ માટે વન ટાઇમ સેટલમેન્ટ યોજના-૨૦૨૧ જાહેર કરવી જોઈએ એવી માગણી ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (ફામ) તરફથી રાજ્યના ડેપ્યુટી ચીફ મ‌િનિસ્ટર અને ફાઇનૅન્સ મિનિસ્ટર અજિત પવાર સમક્ષ કરવામાં આવી છે.

આ બાબતની માહિતી આપતાં ફામના અધ્યક્ષ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના અને લૉકડાઉન પછી વેપારીઓ ધીરે-ધીરે તેમના બિઝનેસને ટ્રૅક પર લાવવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભયંકર આર્થિક મંદી હોવાથી તેઓ લાફો મારીને ગાલ લાલ રાખે છે. આ સંજોગોમાં મહારાષ્ટ્ર સરકાર જો વન ટાઇમ સેટલમેન્ટ યોજના રજૂ કરે તો વેપારીઓને એનાથી આર્થિક ટેકો મળી રહેશે. આ વન ટાઇમ સેટલમેન્ટ યોજના અંતર્ગત સરકારે ઘણા લાંબા સમયથી અટકેલા વૅટ, સર્વિસ ટૅકસ અને પ્રોફેશનલ ટૅક્સ જેવા મુદ્દાઓ આવરી લેવા જોઈએ. આ કરવેરાઓ પર લગાડવામાં આવતા વ્યાજ અને દંડમાંથી વેપારી સમુદાયને મુક્તિ આપવાની જરૂર છે. સરકારની આ યોજનાથી વેપારીઓને ત્વરિત અને તાત્કાલિક આવક પેદા કરવામાં મદદ મળી શકે છે, જેની અત્યારના વિવિધ કાયદાકીય કાર્યવાહીઓને કારણે વેપારીઓ અનુભૂતિ કરી શકતા નથી. બીજી તરફ સરકારને પણ એનો ફાયદો મળતાં લાંબો સમય લાગી જાય છે.’

બન્ને પક્ષ આમાંથી સરળતાથી અને સારી રીતે બહાર આવી શકે એમ છે, જેના માટે ફામ તરફથી સરકાર સમક્ષ વન ટાઇમ સેટલમેન્ટ યોજના-૨૦૨૧ જાહેર કરવી જોઈએ એવી માગણી કરવામાં આવી છે. આ બાબતની જાણકારી આપતાં ફામના ડિરેક્ટર જનરલ આશિષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ યોજનાથી રાજ્ય સરકારની પણ મુશ્કેલીઓ ઓછી થઈ જશે. તેઓ તેમની લેણી નીકળતી રકમ જલદીથી વેપારીઓ પાસેથી મેળવી શકશે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ ઍક્ટ (જીએસટી ઍકટ) આવ્યાને ત્રણ વર્ષ થઈ ગયાં છે. આ પરિસ્થિતિમાં સરકારે હવે વૅટ, સર્વિસ ટૅકસ અને પ્રોફેશનલ ટૅક્સ જેવા કરવેરાના વેપારીઓના અટકી ગયેલા કેસોનો વહેલી તકે અંત લાવીને વેપારીઓને આમાંથી મુક્ત કરવા જોઈએ, જેથી સરકાર જીએસટી ઍક્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને એની કામગીરીને સુગમતાથી પાર પાડી શકે. રાજ્ય સરકારની રેવન્યુને પણ ઓછામાં ઓછી અસર થાય અને કરદાતાઓ આ યોજનાનો ફાયદો લઈ શકે. વન ટાઇમ સેટલમેન્ટ યોજનાથી વેપારીઓ તેમના પર લાગેલા વ્યાજ અને દંડની રકમમાંથી બચી શકે અને લાંબા કંટાળાજનક કાયદાકીય મુકદ્દમાઓમાંથી પણ બહાર આવી શકે એમ છે.’

વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ-૨૦૨૧ આ પહેલાં પંજાબ સરકારે ૨૦૨૦ની ૩૧ ડિસેમ્બરથી અમલમાં મૂકી દીધી છે એમ જણાવતાં આશિષ મહેતાએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે પણ આમાં પહેલ કરવાની જરૂર છે. રાજ્ય સરકારે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીના બાકી રહેલા તમામ કેસોને આ સ્કીમ હેઠળ આવરી લેવાની જાહેરાત કરવાનો અમે અજિત પવારને અનુરોધ કર્યો છે. આ યોજના જાહેર કરીને સરકારે કરદાતાઓને ૩૦ જૂન ૨૦૨૧ સુધીનો સમય આ યોજનાનો લાભ લેવા અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીનો સમય તેમની નીકળતી કરની રકમ ભરવા આપવો જોઈએ.’

mumbai mumbai news