વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો

20 December, 2011 06:53 AM IST  | 

વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો

 

 

(બકુલેશ ત્રિવેદી)

મુંબઈ, તા. ૨૦

મુંબઈમાં રીટેલ દુકાન ધરાવતા હજારો વેપારીઓએ ગઈ કાલે મસ્જિદ બંદર સ્ટેશનથી આઝાદ મેદાન સુધી રૅલી કાઢીને ફૂડ સેફ્ટી ઍક્ટનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ફૂડ સેફ્ટી ઍક્ટ દ્વારા સરકાર નાના વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે અને એ રીતે એફડીઆઇ (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ને પ્રોત્સાહન આપી રહી છે. જો સરકારની આવી જ નીતિ રહી તો નાના વેપારીઓએ દુકાનો બંધ કરવી પડશે.’

આઝાદ મેદાનમાં સભામાં ફેરવાઈ ગયેલી વેપારીઓની આ રૅલી વિશે વધુ માહિતી આપતાં મહારાષ્ટ્ર રીટેલ દુકાનદાર મહાસંઘના પ્રેસિડન્ટ કિરણ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ફૂડ સેફ્ટી ઍક્ટ ૨૦૦૬માં બનાવવામાં આવ્યો છે અને એની જાણ હવે અમને કરવામાં આવી છે.

છેલ્લાં ૬૪ વર્ષથી સુધરાઈ જ લાઇસન્સ-ફી લેતી હતી એ હવે બાંદરામાં આવેલી ફૂડ ઍન્ડ ડ્રગ ઑથોરિટીમાં લાઇસન્સ-ફી જમા કરવી પડશે. બે લાખ દુકાનદારો છે એ તમામે ત્યાં જઈને ફી ભરવી પડશે. પહેલાં ફક્ત દવાની દુકાનોના કેમિસ્ટો અને ડ્રગિસ્ટોએ ત્યાં જવું પડતું, હવે અમારે કરિયાણાવાળાઓએ પણ ત્યાં જઈને લાઇસન્સ-ફી ભરવી એમ એમાં જણાવવામાં આવ્યું છે. દવાની વાત અલગ છે કે એમાં જો થોડી પણ સરતચૂક થાય તો જાનનો ખતરો રહે છે, જ્યારે અમારે અનાજમાં એવી કોઈ જરૂર હોતી નથી.’

એફડીઆઇને ઘુસાડવાનું તરકટ

સરકાર દ્વારા ફૂડ સેફ્ટીના કાયદામાં ચેન્જિસ લાવીને દુકાનદારોને હૅરેસ કરવામાં આવી રહ્યા છે અને આ કાયદો તો મૂળ એફડીઆઇને પાછલા બારણે એન્ટ્રી આપવા જ બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે એમ જણાવીને કિરણ ગડાએ વધુમાં કહ્યું હતું કે ‘ફૂડ સેફ્ટી ઍક્ટ હેઠળ એવા નિયમો બનાવવામાં આવ્યા છે કે વેપારીઓ એ અમલમાં ન મૂકી શકે. એને કારણે જતેદહાડે કાં તો તેને દુકાન બંધ કરવી પડે અથવા તો તેમણે આત્મહત્યા કરી લેવી પડે અને એનો આડકતરો લાભ એફડીઆઇ હેઠળ આવતા મૉલ્સને મળે. ફૂડ સેફ્ટી ઍક્ટ માટેની લાઇસન્સ-ફી ભરવા રિન્યુ કરાવવા પહેલાં ચાર મહિનાનો સમય મળતો હતો. હવે એમાં એવો ઉમેરો કરવામાં આવ્યો છે કે પહેલાં એ લાઇસન્સ રિન્યુ કરાવવા વેપારીએ અરજી કરવાની અને એ પણ લાઇસન્સની ડેટ એક્સ્પાયર થાય એ પહેલાં. ત્યાર પછી લાઇસન્સ-ફી ભરવામાં જેટલું મોડું થાય એ માટે રોજના ૧૦૦ રૂપિયા દંડ ભરવાનો. બીજો નિયમ એવો છે કે જો દુકાનમાં ઉંદર અથવા ઉંદરની હગાર દેખાય તો ૧,૦૦,૦૦૦ રૂપિયાથી લઈને ૧૦,૦૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ. ૮૦ ટકા નાના વેપારીઓની ઇન્કમ એવી નથી હોતી કે તેઓ દંડની આટલી મોટી રકમ ભરી શકે. જો તે આવો દંડ ભરે તો કાં તો તેને દુકાન બંધ કરવી પડે અથવા આત્મહત્યા કરવી પડે.’

અન્ય કારણો

વર્ષોથી દુકાન ચલાવતા દુકાનદારોએ રોજેરોજ અનેક લોકો સાથે પનારો પાડવાનો હોય છે અને ઘણી સંસ્થાઓને વિવિધ ફેસ્ટિવલ માટે ફાળો આપવાનો હોય છે એમ જણાવીને કિરણ ગડાએ કહ્યું હતું કે ‘જો કોઈને ફાળો તેમની માગણી મુજબ ન આપીએ તો તેઓ ખાર રાખીને દુકાનદાર સામે ફરિયાદ કરી દે કે આ દુકાનથી અમને હેરાનગતિ થાય છે એટલે વેપારીનો મરો થઈ જાય છે. એફડીએવાળા લાઇસન્સ કૅન્સલ કરવા તૈયાર જ હોય છે. આથી અમારે તો રોજ તલવારની ધાર પર ચાલીને ધંધો કરવો પડતો હોય છે.’

ગુલામી તરફ લઈ જશે

આખા મુંબઈનાં વિવિધ વેપારીઓનાં અસોસિએશનોના પ્રતિનિધિઓ અને દક્ષિણ મુંબઈના રીટેલરોને સાથ આપવા થાણેથી પણ વેપારીઓ આ રૅલીમાં આવ્યા હતા. સરકારનું આ પગલું દેશને ફરી ગુલામી તરફ લઈ જશે એમ જણાવતાં કિરણ ગડાએ કહ્યું હતું કે, ‘જો સરકાર હવે આ બાબતે નહીં માને તો અમે સતત આંદોલનો કરીશું, રસ્તોરોકો અંદોલન કરીશું અને જેલભરો આંદોલન પણ કરવામાં આવશે. અમે રાજ્ય સરકારને નિવેદન આપ્યું છે અને એક મહિનાનો સમય પણ આપ્યો છે. ત્યાર બાદ વેપારીઓની માગણીઓ પ્રમાણે ફેરફાર નહીં કરવામાં આવે તો પ્રચંડ આંદોલન કરવામાં પણ વેપારીઓ પાછીપાની નહીં કરે. ’