08 April, 2026 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદેના ઘરની બહાર રોડ પર આતંક મચાવતો માથાભારે આરોપી.
થાણેના લુઇસવાડીમાં આવેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘર પાસે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગઈ કાલે સવારે એક માથાભારે અને અસ્થિર મગજના માણસે ભારે આતંક મચાવ્યો હતો. હાથમાં મોટી લાકડી લઈને આ માણસ રસ્તા પર દોડતો હતો અને હાઇવે પરથી પસાર થતાં વાહનોને આડેધડ લાકડી ફટકારતો હતો. આ હુમલામાં તેણે ૮ વાહનોના કાચ ફોડીને એને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની જાણ થતાં નૌપાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીને કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસે તેની સામે સત્તાવાર ગુનો નોંધ્યો છે.
લુઇસવાડીમાં એકનાથ શિંદેના શુભદીપ નામના નિવાસસ્થાન સામે આવેલા કાલિકામાના મંદિર પાસેના હાઇવે પર ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે એક માણસ હાથમાં મોટી લાકડી લઈને અચાનક રસ્તા પર ગાંડાની જેમ દોડવા માંડ્યો હતો. એ દૃશ્ય જોઈને સ્થાનિક લોકો અને વાહનચાલકો ગભરાઈ ગયા હતા. કેટલાક લોકોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે વાહનો તરફ લાકડી ફેરવવાનું ચાલુ જ રાખ્યું હતું. હાથમાં લાકડી હોવાથી તેને પકડવાનું મુશ્કેલ હતું. જોકે નૌપાડા પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસ-તપાસમાં આરોપીનું નામ સુનીલ વાનખેડે જણાઈ આવ્યું હતું અને તે મૂળ જળગાંવના મુડી ગામનો રહેવાસી છે. તે થાણેમાં શા માટે અને કયા હેતુથી આવ્યો હતો એ જાણી શકાયું નથી.