મોબાઇલ ન આપ્યો એટલે માનસિક અ‌સ્થિર ગુજરાતીને બ્રિજ પરથી ફેંકી દેવામાં આવ્યો

25 May, 2022 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાલાસોપારામાં રેલવે-ટ્રૅક પાસે આવેલા નાળામાંથી મળેલા પ્રદીપ જોશીનો મર્ડરકેસ થયો ચોવીસ કલાકમાં સૉલ્વ. ‌આરોપીઓએ મોબાઇલ ચોર સમજીને તેને એક દિવસ પહેલાં બહુ માર્યો હતો

પ્રદિપ જોશી


મુંબઈ : વસઈ-વેસ્ટમાં દીનદયાળનગરમાં આવેલા વિઠોબા બિલ્ડિંગમાં રહેતા માનસિક રીતે અસ્થિર ૩૫ વર્ષના ગુજરાતી યુવાન પ્રદીપ જોશીનો મૃતદેહ નાલાસોપારામાં રેલવે-ટ્રૅક પાસે આવેલા અલકાપુરી નાળામાંથી રવિવારે મળી આવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ મૂક્યો હતો કે આ મર્ડર છે અને મૃતદેહ મળ્યાના એક દિવસ પહેલાં આ યુવકને બે જણે મોબાઇલ ચોરી કર્યો હોવાનું કહીને ખૂબ માર્યો હતો, જે સીસીટીવી કૅમેરામાં પણ કેદ થયું હોવાની માહિતી પોલીસને આપી હતી. એથી આચોલે પોલીસ દ્વારા એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેમ જ ૨૪ કલાકમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી.
પ્રદીપ તેના પરિસરમાં ફરતો રહેતો અને તેને બધા શાહરુખ કહીને બોલાવતા હતા. પોલીસે મૃતદેહ મળ્યા બાદ એણે ઍક્સિડન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. ત્યારે પ્રદીપના મૃતદેહનો ફોટો તેના ભાઈને મળતાં તેણે મૃતદેહની ઓળખ કરી હતી. પ્રદીપના ભાઈએ આપેલી માહિતી પ્રમાણે પોલીસે વસઈમાં આવેલી મજિસ્દ પાસેના સીસીટીવી કૅમેરાની તપાસ કરતાં પ્રદીપને બે જણ બેલ્ટથી મારતા હોવાનું દેખાઈ આવે છે. ત્યાર બાદ તેને એ લોકો રિક્ષામાં બેસાડીને લઈ ગયા હોવાનું પણ દેખાયું છે. 
આ હત્યા વિશે માહિતી આપતાં નાલોસાપારાના આચોલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી ચંદ્રકાંત સરોદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કરતાં બે જણ પ્રદીપને મારતા હોવાનું દેખાઈ આવે છે. સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પરથી જે રિક્ષામાં તેને બેસાડીને લઈ જવામાં આવ્યો છે એ રિક્ષાના નંબર મેળવ્યા હતા. ત્યાર બાદ રિક્ષાના ડ્રાઇવર ઓમકાર પવારની શોધ કરીને તેની કડક પૂછપરછ કરતાં હત્યા તેણે અને તેના મિત્ર ઉદયભાણ પ્રસાદે મળીને કરી હોવાનું કહ્યું હતું. બન્નેએ તેને વસઈના જૂના બ્રિજ પરથી નાળામાં ફેંકી દીધો હોવાથી તેને નાળામાં રહેલો પથ્થર જોરદાર લાગ્યો હતો. પ્રદીપે તેનો મોબાઇલ ચોર્યો હતો અને તે પાછો આપી રહ્યો ન હોવાથી તેની હત્યા કરી હતી.’
રિક્ષા ચલાવનારા પાસે લાઇસન્સ પણ ન હોવાનું જણાયું હતું. તે ગેરકાયદે રીતે રિક્ષા ચલાવી રહ્યો હોવાનું પણ સામે આવતાં પોલીસ એ વિશે પણ તપાસ ચાલી કરી રહી છે.

mumbai news mumbai Crime News