માનસિક રીતે અક્ષમ યુવકનું આઠમા માળેથી પડી જવાથી મૃત્યુ

19 February, 2021 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માનસિક રીતે અક્ષમ યુવકનું આઠમા માળેથી પડી જવાથી મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

મલાડ (ઈસ્ટ)માં આવેલી ઍવન્યુ સોસાયટીમાં બુધવારે રાતે માનસિક રીતે અક્ષમ યુવક ચોર-ચોરની બૂમોથી ડરી જતાં ભાગીને આઠમા માળે આવેલા ડકમાં જતો રહ્યો હતો. ત્યાં તેનું બૅલૅન્સ ગુમાવી દેતાં તે નીચે પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે હમણાં એડીઆર (ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ) નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘મલાડ (ઈસ્ટ)માં પઠાણવાડીમાં આવેલી ઍવન્યુ સોસાયટીમાં બુધવારે રાતના ૨૮ વર્ષનો અર્શદ સિદ્ધગી દોડતો-દોડતો પંદરમા માળે રહેતી તેની બહેનના ઘરે જઈ રહ્યો હતો. તે દોડતો જતો હતો એટલે સોસાયટીના વૉચમૅન અને અન્ય લોકોને એવું લાગ્યું કે તે ચોર છે અને ચોરી કરવા માટે બિલ્ડિંગમાં આવ્યો છે. એટલે તે લોકો ચોર-ચોરની બૂમો પાડતા તેની પાછળ દોડ્યા હતા. એટલે અર્શદ ગભરાઈને આઠમા માળે આવેલા ડક વિસ્તારમાં જઈને બેસી ગયો હતો. ત્યાં અચાનક એક યુવક ચોર કહીને તેને પકડવા જતાં અર્શદનું બૅલૅન્સ જતું રહેવાથી તે આઠમા માળેથી નીચે પટકાયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.’

કુરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રકાશ બેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે એડીઆર નોંધીને તપાસ શરૂ કરી છે. મૃત્યુ પામેલા યુવકની વધુ માહિતી કાઢતાં અમને જાણ થઈ હતી કે તેની માનસિક હાલત ખરાબ હતી અને ઇલાજ પણ ચાલી રહ્યો હતો. લોકોના અવાજથી તે ડરી જવાથી તેનું બૅલૅન્સ ગયું હતું અને પડી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. અમે આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news malad mumbai police