સ્ટુડન્ટ બનીને ઍડ્મિશન લેવા આવ્યો અને ટીચરનાં એટીએમ કાર્ડ ચોરી ગયો

09 October, 2012 05:10 AM IST  | 

સ્ટુડન્ટ બનીને ઍડ્મિશન લેવા આવ્યો અને ટીચરનાં એટીએમ કાર્ડ ચોરી ગયો

તે યુવકને મહિલાના એટીએમ કાર્ડનો પાસવર્ડ કઈ રીતે મળ્યો હશે એની પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું હતું કે એટીએમ કાર્ડ ચોરવા પહેલાં તેણે મહિલાના કાર્ડનો પાસવર્ડ ચોરી લીધો હતો. જોકે એટીએમના સીસીટીવી કૅમેરાના ફુટેજમાં આ યુવકનો ચહેરો ઝડપાઈ ગયો હતો.

એચએચબી પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સંદેશ પાલાંડેએ કહ્યું હતું કે ‘બોરીવલી (વેસ્ટ)ની એલઆઇસી કૉલોનીમાં રહેતી ચારુશીલા દેસાઈ  જયરાજનગરમાં આવેલા ક્લાસિસમાં પસર્નાલિટી ડેવલપમેન્ટની ટીચર છે. ગુરુવારે બપોરે બે વાગ્યે એક યુવક ક્લાસમાં ઍડ્મિશન લેવા આવ્યો હતો. રિસેપ્શન પર તેણે ચારુશીલા નામની ટીચરને મળવું છે એમ કહ્યું હતું. ટીચરની મુલાકાત લીધા બાદ નજર ચૂકવીને તેણે ટીચરનું પર્સ ચોરી લીધું હતું અને ત્યાંથી જતો રહ્યો હતો. જોકે રિસેપ્શનિસ્ટે આ યુવકને લાલ રંગની પલ્સર બાઇક પર જતાં જોયો હતો. પર્સ ચોરવાની ૧૫ મિનિટ બાદ જ તેણે બે એટીએમ કાર્ડ વાપરીને ૪૦,૦૦૦ રૂપિયા કાઢી લીધા હતા.’

પોલીસે ગઈ કાલે સીસીટીવી કૅમેરાના ફુટેજમાં ઝડપાયેલા યુવકના ચહેરાનો ફોટો રિલીઝ કર્યો હતો. પોલીસ આ યુવકની શોધ કરી રહી છે.