કાંદિવલીના બિલ્ડરની ખિલાફ આજે મેમ્બરો આપશે પોલીસને સ્ટેટમેન્ટ

18 May, 2022 07:54 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

રીડેવલપમેન્ટ દરમ્યાન ભાડું ન ચૂકવનારા કાંદિવલીના બિલ્ડરની ખિલાફ આજે મેમ્બરો આપશે પોલીસને સ્ટેટમેન્ટ

કાંદિવલી-વેસ્ટના સરોજીની નાયડુ રોડ પર આવેલી સાંઈ સતગુરુ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રાંગણમાં બેઠેલા રહેવાસીઓ.

આર્બિટ્રેટરના આદેશનું પાલન ન કરીને સોસાયટીના સભ્યોને ભાડું ન આપનાર અને ઍગ્રીમેન્ટ કરી ન આપનાર કાંદિવલીના સાંઈ તસવીર ડેવલપર્સના જયેશ તન્ના સહિત અન્ય લોકો સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં આજે કાંદિવલી પોલીસ પહેલાં સોસાયટીના સભ્યોને બોલાવી તેમનાં સ્ટેટમેન્ટ લેવાની છે. જોકે પછી આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવશે, એમ કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિનકર જાધવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. 
કાંદિવલી-વેસ્ટના સરોજીની નાયડુ રોડ પર આવેલી સાંઈ સતગુરુ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનું રીડેવલપમેન્ટ કરનાર સાંઈ તસવીર ડેવલપર્સના જયેશ તન્ના અને અન્ય પાર્ટનરોએ સોસાયટીનું ઑક્યુપેશન સર્ટિફિકેટ મેળવી આપવાનો અને બાકીનું ભાડું ચૂકવવાનો અને જે મેમ્બરોનાં ઍગ્રીમેન્ટ બનાવવાનાં રહી ગયાં છે એ કરી આપવાનો વાયદો સોસાયટીના મેમ્બર્સને અને કોર્ટે નીમેલા આર્બિટ્રેટરને કર્યો હતો. જોકે એને અમલમાં ન મૂકતા સોસાયટીનાં મેમ્બર નલિની નવીન મહેતાએ આ સંદર્ભે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ડેવલપર્સ સામે ફરિયાદ નોંધાવી છે. ગઈ કાલે આ સંદર્ભેનો આર્ટિકલ ‘મિડ-ડે’માં છપાયા બાદ પોલીસ ઍક્શનમાં આવી છે. કાંદિવલી પોલીસે સોસાયટીના બધા જ મેમ્બર્સને આજે સ્ટેટમેન્ટ નોંધવા બોલાવ્યા છે. આ સંદર્ભે કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિનકર જાધવનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમે આ કેસમાં એફઆઇઆર નોંધ્યો છે. અમારા ઇન્વેસ્ટિગેશન ઑફિસર તપાસ કરી રહ્યા છે. તપાસના અનુસંધાનમાં જે રીતે સોસાયટીના મેમ્બરોને બોલાવી તેમનાં સ્ટેટમેન્ટ નોંધાશે એ જ રીતે ડેવલપર્સને બોલાવીને તેમની પણ પૂછપરછ કરવામાં આવશે.’

Mumbai mumbai news bakulesh trivedi