મીરા રોડના રિક્ષાવાળાની રંગમંચના કલાકાર સુધીની સફર

10 November, 2011 08:33 PM IST  | 

મીરા રોડના રિક્ષાવાળાની રંગમંચના કલાકાર સુધીની સફર



મૂળ બાવળા તાલુકાના બગોદરા પાસેના શિયાળ ગામના ખોજા મુસ્લિમ અમીનભાઈની ઇચ્છા અભિનેતા બનવાની. જોકે ઘરની પરિસ્થિતિને કારણે તેમણે રિક્ષા ચલાવવાની શરૂ કરી. એને કારણે તેમને નિર્માતા પાસે જવાનો સમય જ મળતો નહોતો. અમીનભાઈ વાતને આગળ ધપાવતાં કહે છે, ‘એસએસસી કર્યા પછી ૧૯૮૫માં મુંબઈ આવી સ્ટ્રગલ શરૂ કરી. મહિનાઓની મહેનત છતાં કોઈ કામ ન મળ્યું ત્યારે રિક્ષા ચલાવવાનો નિર્ણય કર્યો. બસ, પછી તો જીવનની ગાડી આ ત્રણ પૈડાંને આધારે ચાલવા માંડી. પરિવારનો વિસ્તાર થતાં અભિનયના શોખને એક બાજુ મૂકી દીધો, પરંતુ મારું નસીબ જોર કરતું હશે કે આટલાં વરસો પછી મને અભિનયના શોખ પૂરો કરવાની તક મળી.

અમીનભાઈને કામ કેવી રીતે મળ્યું એ કિસ્સો પણ અતિ રોચક છે. દશેરાને દિવસે ધોધમાર વરસાદમાં મેં એક પૅસેન્જરને અંધેરી ઉતાર્યા ત્યાં એક મહિલા પૅસેન્જર લાઇનની પરવા કર્યા વિના રિક્ષામાં બેસી ગઈ. જાણીતા નાટ્યકાર મહેશ ઉદ્દેશીની દીકરી મેઘા સાથે અભિનય વિશે વાત થઈ. મીરા રોડ રહેતાં મેઘાબહેનને મૂકવા ગયો ત્યાં સુધીમાં તેમણે મહેશભાઈ સાથે વાત કરી લીધી અને બીજા દિવસે અંધેરી મળવા બોલાવ્યો. અંધેરી જઈને જોયું તો મારા મોતિયા મરી ગયા. સામે રસિક દવે અને કેતકી દવે બન્ને ઊભાં હતાં. જોકે જેમ-તેમ હિંમત ભેગી કરી ઇન્ટરવ્યુ આપ્યો. તેમણે મને બૅક-સ્ટેજની જવાબદારી સોંપી. મને તો વાત માન્યામાં આવતી નહોતી કે આટલી ઝડપથી બધું બની કેવી રીતે ગયું? જોકે મારે તો અભિનય કરવો હતો. એ માટે શું કરવું એ વિચારતો રહ્યો. નાટકમાં એકદમ તળપદી ભાષા બોલતું વણજારાનું એક પાત્ર છે. ઘણા કલાકાર આવ્યા, પણ તે ભાષા બોલી શકતા નહીં. મારી લઢણમાં દેશી છાપ જોઈ અચાનક એક દિવસ રસિક દવેએ એ પાત્રનો એક ડાયલૉગ બોલવા કહ્યું. ગામડામાં બોલાતી ભાષા પર મારું પ્રભુત્વ હોવાને કારણે મને વાંધો ન આવ્યો. મારી ડાયલૉગ ડિલિવરી તેમને પસંદ પડી અને ‘સંકેત’ નાટકના વણજારાના પાત્ર માટે મને સિલેક્ટ કરવામાં આવ્યો.

આમ મારું વરસોજૂનું સ્વપ્ન આમ અનાયાસ પૂરું થશે એ માન્યામાં આવતું નહોતું. બૅક-સ્ટેજની સાથે રિહર્સલ પણ ચાલુ હતાં. નવો હોવાથી થોડી તકલીફ પડતી, પરંતુ રસિકભાઈ અને કેતકીબહેન ઉપરાંત અશોક ઉપાધ્યાય અને શરદ શર્માએ ઘણો સહયોગ આપ્યો. ૧૩ નવેમ્બરે નાટકનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે એક જ ખ્વાહિશ છે કે દર્શકોનો પણ મને પ્રેમ મળે.