મેયરપદ નહીં મળતાં ભગવા ફેંટાનો ત્યાગ

30 August, 2012 08:03 AM IST  | 

મેયરપદ નહીં મળતાં ભગવા ફેંટાનો ત્યાગ

પ્રીતિ ખુમાણ

૨૮ ઑગસ્ટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરપદની ચૂંટણી થઈ હતી. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે કોઈ પણ પક્ષને સ્પષ્ટરૂપે બહુમતી મળી ન હોવાથી મેયર અને ડેપ્યુટી મેયરપદે કોણ આવશે એ બાબત જાણવાની બધાને જ ખૂબ ઉત્સુકતા હતી. આ ઉત્સુકતાના કારણે જ મેયર અને ડેપ્યુટી મેયરના પદની ચૂંટણી વખતે શિવસેના અને બીજેપીનાં ચૂંટાઈને આવેલાં નગરસેવકો અને નગરસેવિકાઓ સભાગૃહમાં ભગવો ફેંટો પહેરીને બેઠાં હતાં. કેસરી કલરનો આ ફેંટો સેના જેવા પક્ષ માટે ગર્વ, પ્રતિષ્ઠા અને સન્માનના પ્રતીકરૂપે  છે, પણ મેયર અને ડેપ્યુટી મેયરપદની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ અને જ્યારે એનું પરિણામ એનસીપી અને કૉન્ગ્રેસની તરફેણમાં ગયું ત્યારે આ ભગવા ફેંટાનો પ્રેમ જાણે ઓછો થઈ ગયો હોય એવું જોવા મળ્યું હતું. શિવસેના અને બીજેપીનાં સભાગૃહમાં ઉપસ્થિત નગરસેવકો અને નગરસેવિકાઓ માથે પહેરેલા કેસરી કલરના ફેંટા ત્યાં ને ત્યાં છોડીને ચાલી નીકળ્યાં હતાં. સન્માન અને પ્રતિષ્ઠાના પ્રતીક જેવા આ ફેંટા એવી રીતે પડ્યા હતા જાણે તેમની સત્તા આવી નથી અને એનો ગુસ્સો આ ફેંટા પર નીકળ્યો હોય એવું લાગી રહ્યું હતું.