મીરા-ભાઇંદર મહાનગરપાલિકાની હૉસ્પિટલ ક્યારે શરૂ થશે ?

13 October, 2011 08:20 PM IST  | 

મીરા-ભાઇંદર મહાનગરપાલિકાની હૉસ્પિટલ ક્યારે શરૂ થશે ?

 

ઉદ્ઘાટન થયાને એક વર્ષ થયું, હવે એક મહિનામાં શરૂ કરવાની વાતો

પ્રશાસન છેલ્લા કેટલાય સમયથી કહી રહ્યું છે કે ટૂંક સમયમાં હૉસ્પિટલ શરૂ થશે, પણ હજી સુધી પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. ફરી એક વાર પ્રશાસને એક મહિનામાં હૉસ્પિટલ શરૂ થઈ જશે એવું આશ્વાસન આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ હૉસ્પિટલ શરૂ થાય છે કે નહીં.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ હૉસ્પિટલમાં ૫૦ બેડની વ્યવસ્થા છે તેમ જ ૮૦ લાખ રૂપિયાની વૈદ્યકીય સાધનસામગ્રી છે, જે ધૂળ ખાઈ રહી છે. ઉપરાંત હૉસ્પિટલમાં બ્લડબૅન્ક અને વાંચનાલય છે એનાં પણ ઠેકાણાં નથી.

૨૦૦૫માં હૉસ્પિટલની ઇમારતનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૦૦૭માં હૉસ્ટિપટલની ઇમારત ઊભી કરી દેવામાં આવી હતી, પણ ૨૦૦૮માં હૉસ્પિટલના સંચાલન માટે આવશ્યક સ્ટાફ રાખવા માટેનો પ્રસ્તાવ રાજ્ય સરકારે મંજૂર કર્યો ન હોવાથી મહાનગરપાલિકાએ ૨૦૦૯માં આવશ્યક સ્ટાફ રાખવાની મંજૂરી મળતાં ૩૫થી વધારે ડૉક્ટર તેમ જ સાત સ્પેશ્યલિસ્ટ અપૉઇન્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૧ નવેમ્બર ૨૦૧૦ના કેન્દ્રીય આરોગ્યપ્રધાન ગુલાબ નબી આઝાદના હસ્તે હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ જ દિવસે મીરા રોડની ઉમરાવ હૉસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, એમ છતાંય મહાનગરપાલિકાની હૉસ્પિટલ હજી શરૂ નથી થઈ, પણ ઉદ્ઘાટન પછી ઉમરાવ હૉસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત આ હૉસ્પિટલની લૅબોરેટરીમાં જુદા-જુદા રોગોની તપાસ માટેના એકદમ ઓછા દર પણ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ડિસેમ્બર ૨૦૧૦માં લેવામાં આવેલી મહાસભામાં મંજૂર કરવામાં આવ્યા હતા.

આ હૉસ્પિટલમાં અપાનારી સુવિધામાં ઑપરેશન થિયેટર છે. એનું રેટકાર્ડ પણ ત્યાં લગાડવામાં આવ્યું છે. એક્સ-રે મશીન છે, ૫૦ બેડ છે, મહાત્મા ગાંધી ગ્રંથાલય છે, મૌલાના અબુલ કલામ આઝાદ વૉર્ડ કાર્યાલય છે, ઍર-કન્ડિશન્ડ શબઘર છે. આટલી બધી સુવિધા હોવા છતાં લોકોનાં નાણાંમાંથી બનાવવામાં આવેલી હૉસ્પિટલનો ઉપયોગ કરવાથી લોકો વંચિત રહ્યા હોવાથી અહીં રોષની લાગણી ફેલાઈ છે.

મીરા-ભાઈંદરના રહેવાસીઓ છેલ્લા કેટલાય સમયથી હૉસ્પિટલ શરૂ થવાની આશા રાખી બેઠા હતા, પણ આજે ઉદ્ઘાટન થયાને એક વર્ષ થવાના આરે છે છતાં લોકો હૉસ્પિટલનો જેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એવી રીતે કરી શકતા ન હોવાથી ખૂબ જ નિરાશ છે તેમ જ જો ટૂંક સમયમાં હૉસ્પિટલ શરૂ નહીં થાય તો મીરા-ભાઈંદરના લોકો આંદોલન કરે એવાં એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.

કેમ હૉસ્પિટલ શરૂ નથી થતી?

‘ડ’ વર્ગની મહાનગરપાલિકાનાં પગારધોરણ અત્યંત નીચા સ્તરે હોવાથી અહીં કોઈ અનુભવી ડૉક્ટર આવવા તૈયાર નથી. ડૉક્ટર ન હોવાથી હૉસ્પિટલ શરૂ થઈ શકી નહીં હોવાનું પ્રશાસન જણાવે છે. ઉપરાંત પ્રશાસનના પ્રયત્નો પછી પણ કોઈ ડૉક્ટર આવતા ન હોવાથી ખાનગી ડૉક્ટરની સહાયથી હૉસ્પિટલ શરૂ કરવામાં આવશે એવું પ્રશાસન કેટલીયે વાર કહી ચૂક્યું છે. હવે ઉદ્ઘાટન થયાને એક વર્ષ પૂરું થવાને છે ત્યારે પણ પ્રશાસન જણાવી રહ્યું છે કે સ્ટાફની ભરતીપ્રક્રિયા ચાલુ છે.

આ સંદર્ભે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ઉપાયુક્ત ડૉ. સંભાજી પાનપટ્ટેએ મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘હાલમાં હૉસ્પિટલમાં ઓપીડી તેમ જ બ્લડબૅન્ક ચાલુ છે તેમ જ સ્ટાફની ભરતીપ્રક્રિયા શરૂ છે. એથી હવે એક મહિનામાં હૉસ્પિટલ શરૂ કરવામાં આવશે.’

- અહેવાલ અને તસવીરો : પ્રીતિ ખુમાણ