પર્યુષણમાં માંસની દુકાનો બંધ કરાવવાનો અદ્ભુત આઇડિયા

14 September, 2012 04:20 AM IST  | 

પર્યુષણમાં માંસની દુકાનો બંધ કરાવવાનો અદ્ભુત આઇડિયા



(પ્રીતિ ખુમાણ)

મીરા-ભાઇંદર, તા. ૧૪

મીરા-ભાઈંદરમાં રહેતા જૈન સમાજના લોકો માટે પર્યુષણ પર્વમાં માંસની દુકાનો બંધ રહે એ કેટલું મહત્વ ધરાવે છે એ સાબિત થયું છે. આ પર્વના પાવન એવા આઠ દિવસ આખા શહેરમાં આવેલી માંસની દુકાનો બંધ રહે એ માટે મીરા-ભાઈંદર પ્રશાસનને વારંવાર તમામ સંસ્થાઓ, દેરાસરો અને જૈન સમાજના લોકોએ વિનંતી કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. તેથી પૂરા સમાજે આગળ આવીને આવી દુકાનો ધરાવતા માલિકો સાથે બેઠક કરી તેમને આઠ દિવસ દુકાન બંધ રાખવા માટે જરૂરી પૈસા ચૂકવી દુકાન બંધ રખાવી છે. ૯૦ જેટલા દુકાનમાલિકો પોતાની દુકાન બંધ રાખવા તૈયાર થઈ ગયા છે, જ્યારે બાકીના સાથે આજે મીટિંગ છે.

મીરા-ભાઈંદરમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રહે છે એટલે આખા મીરા-ભાઈંદરમાં કેટલાંય નાનાં-મોટાં દેરાસરો પણ છે. પર્યુષણ પર્વમાં અહીંના જૈન ભાઈ-બહેનોની માગણી હતી કે તેમના આ પર્વમાં મીરા-ભાઈંદરમાં આઠ દિવસ માંસ-મટનની દુકાનો બંધ રહે, પણ મીરા-ભાઈંદર પ્રશાસને શાસનના જીઆર (ગવર્નમેન્ટ રેઝોલ્યુશન) પ્રમાણે ફક્ત પયુર્ષણના પહેલા અને છેલ્લા એટલે કે ૧૨ અને ૧૯ સપ્ટેમ્બરે દુકાનો બંધ રાખવો આદેશ આપ્યો હતો  અને બીજા દિવસોએ બંધ રાખવા માટે ફક્ત વિનંતી જ કરી હતી. એને કારણે જૈન સમાજના લોકોની લાગણી દુભાઈ હતી. એટલે પોતાની લાગણી દુભાય નહીં અને માંસની દુકાનો ચલાવતા માલિકોને પણ નુકસાન થાય નહીં એ માટે આઠ દિવસમાં તેઓ જેટલા કમાય છે એના કરતાં વધુ રકમ ચૂકવીને તેમની દુકાનો બંધ રખાવી.

જીવદયાપ્રેમી પરેશ શાહે ‘મિડ-ડે’ને આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગયા પયુર્ષણમાં અમે ભાઈંદરમાં થયેલા આંદોલનમાં જોડાયા હતા એનું એક જ કારણ હતું કે અમને માંસ વેચતી દુકાનો અમારા પર્વમાં બંધ જોઈતી હતી, પણ આ વખતે પ્રશાસને ફરી ફક્ત બે જ દિવસ આવી દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો એટલે અમારી લાગણી ફરી દુભાઈ હતી. પ્રશાસન પાસે વારંવાર માગણી કર્યા છતાં તેમના તરફથી કોઈ પગલાં લેવાય એવું ન દેખાતાં અને આદેશ આપ્યો એ દિવસે પણ અમુક દુકાનો ખુલ્લી દેખાતાં અમે સાથે મળીને નર્ણિય લીધો હતો. મીરા-ભાઈંદરની કેટલીયે જૈન સંસ્થાઓ, દેરાસરો, જૈન સમાજના લોકો અને ખાસ કરીને જીવદયાપ્રેમીઓએ એક થઈને ફન્ડ ભેગું કર્યું છે. પયુર્ષણ પર્વ ચાલુ હોવા છતાં અમે બધે આવેલી દુકાનો પર જઈ માલિકો સાથે વાત કરી તેમને સમજાવીને આઠ દિવસમાં તેઓ જેટલું કમાય છે એના કરતાં વધુ પૈસા આપીને દુકાનો બંધ રાખવા વિનંતી કરી છે જેથી તેમને પણ નુકસાન થાય નહીં અને અમારી પણ લાગણી દુભાય નહીં.’

જીવદયાપ્રેમી પ્રવીણ પૂનમિયાએ આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે દુકાનમાલિકોની હાલત સમજીને આ નર્ણિય લીધો છે. અત્યાર સુધી અમે બેઠકો કરીને મીરા-ભાઈંદરના ૯૦ દુકાનમાલિકોને વિનંતી કરી તેમની પાસે આઠ દિવસ દુકાનો બંધ રખાવી છે. બાકીના દુકાનમાલિકો સાથે વાતચીત ચાલી રહી છે. આગામી પયુર્ષણમાં અમે પહેલેથી જ બધા સાથે વાત કરવાનું રાખીશું. એ સિવાય અમે દુકાનમાલિકોનો પણ મનથી આભાર માનીએ છીએ કે તેમણે પણ અમારી લાગણીને માન આપ્યું.’

માંસની દુકાનના માલિકોનું શું કહેવું છે?

ભાઈંદર-વેસ્ટમાં માંસની મોટી દુકાન ધરાવતા અને આખા મીરા-ભાઈંદરમાં માંસની દુકાનોમાં દુકાનમાલિકો સાથે કો-ઑર્ડિનેટ કરતા અફઝલે ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘આ વખતે જૈન સમાજના લોકોએ અમારી પાસે આવી વિનંતી કરીને વાત કરી હતી એટલે અમે તેમની લાગણીને સમજીને તરત જ દુકાનો બંધ રાખવાની હા પાડી દીધી હતી. આ અગાઉ અમારી સાથે કોઈ વાત કરવા આવતું નહોતું. એક દુકાનમાં ત્રણથી ચાર કર્મચારીઓ કામ કરતા હોય છે. તેમનો બધો ખર્ચો તેમની એક દિવસની કમાણીથી જ નીકળતો હોય છે. અમારા આખા દિવસની કમાણીથી અમારાં ઘર ચાલતાં હોવાથી અમે દુકાનો બંધ કરતા નહોતા, પણ આ વખતે અમને દુકાન બંધ રાખવા બદલ પૈસા પણ આપવામાં આવ્યા છે એટલે અમે આઠ દિવસ એક પણ પશુની હત્યા નહીં કરીએ. અમારી દુકાનો પર માંસ વેચવાનો ધંધો નહીં થાય. આ વખતે તો આ લોકો થોડા મોડા આવ્યા છે, પણ અમે તેમને કહ્યું છે કે બીજી વખત અમને ૧૫ દિવસનો સમય આપજો જેથી અમે પૂરી અને સારી રીતે તમને સમર્થન આપીશું.’