ગેરકાયદે એકઠા થનારાઓ સામે આકરાં પગલાં લેવાશે : મુંબઈપોલીસ

27 February, 2020 06:39 PM IST  |  Mumbai Desk

ગેરકાયદે એકઠા થનારાઓ સામે આકરાં પગલાં લેવાશે : મુંબઈપોલીસ

દિલ્હીમાં સીએએ પર વધી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે મુંબઈમાં કોઈ પણ પ્રકારનો ગેરકાનૂની વિરોધ સાંખી લેવામાં આવશે નહીં. એડિશનલ અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસે જુનિયર અધિકારીઓ સાથે મીટિંગ કરી તેમને કાયદાનો ભંગ કરનાર સામે કડક હાથે કામ લેવાના ઓર્ડર આપ્યા છે. 

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા વિરોધના સંદેશાઓ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે તથા પોલીસ અધિકારીઓને પણ ગેરકાયદે એકઠા થયેલા લોકો સામે આકરાં પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

ડીસીપી પ્રણય અશોકે કહ્યું હતું કે મુંબઈ શહેરમાં ગેરકાયદેસર રીતે લોકોને એકઠા થવાની મંજૂરી નથી. આગોતરી પરવાનગી મેળવ્યા વિના મીટિંગ યોજનાર, વિરોધ કરનાર કે સભાઓ ગજવનારાઓ સામે આકરાં પગલાં લેવામાં આવશે.

દિલ્હીની ઘટના બાદ મુંબઈ પોલીસ પણ પ્રદર્શનકારીઓની ગતિવિધિઓ પ્રત્યે કડક બની છે. દિલ્હીમાં થયેલાં તોફાનો સામે દાદરની ચૈતન્યભૂમિ વિસ્તારમાં વિરોધ-પ્રદર્શન કરવા માગતા પ્રદર્શનકારીઓને પોલીસે અટકાવ્યા હતા. પરિણામે કેટલાક લોકોએ વીર કોટવાલ ગાર્ડન નજીક જ મીણબત્તી સળગાવીને દિલ્હીનાં તોફાનમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તસવીર : આશિષ રાજે.

mumbai mumbai police