કોરોનાના દરદીઓ માટે ૧૩ મોબાઇલ ક્લિનિક્સ, ડોર ટુ ડોર સ્ક્રીનિંગની સગવડ

23 May, 2020 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાના દરદીઓ માટે ૧૩ મોબાઇલ ક્લિનિક્સ, ડોર ટુ ડોર સ્ક્રીનિંગની સગવડ

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાઇરસના રોગચાળાને ડામવા માટે ૧૩ મોબાઇલ ક્લિનિક્સ અને કોરોનાનાં લક્ષણો ધરાવતા દરદીઓના ડોર ટુ ડોર સ્ક્રીનિંગ સહિત અનેક પગલાં લીધાં હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ વડી અદાલત સમક્ષ કર્યો હતો. અગાઉ કોરોનાના દરદીઓની સારવાર બાબતે કેટલાક અરજદારો અને ખાનગી સંસ્થાઓનાં સૂચનો પર વિચારણા કરવાના અદાલતના આદેશનો ઉત્તર આપતાં મુંબઈ મહાનગરપાલિકાએ રોગચાળા પર નિયંત્રણ માટે લીધેલાં પગલાંની માહિતી વડી અદાલતને આપી હતી.

૧૬ મેએ આદેશ આપતી વખતે અરજદારો અને સંસ્થાઓનાં સૂચનો ‘વાસ્તવલક્ષી’  અને ‘મેડિકલ પ્રોટોકૉલ’ પ્રમાણે હોય તો જ અનુસરવાની સૂચના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તા અને એ. એ. સૈયદની ડિવિઝન બેન્ચે મહાનગરપાલિકાને આપી હતી. કેટલાક વકીલો અને સામાજિક કાર્યકરોની કોરોના સિવાયની ગંભીર બીમારીઓથી પરેશાન દરદીઓને દવાખાનાં અને હૉસ્પિટલોમાં સારવાર મળતી નહીં હોવાની અને રાજ્યમાં તબીબી સારવારની આવશ્યક માળખાકીય સુવિધાઓ નહીં હોવાની ફરિયાદ કરતી અરજીની સુનાવણીમાં બેન્ચે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. અરજદારોએ કોરોના સિવાયની બીમારીઓના દરદીઓ માટે હેલ્પલાઇન, ઍમ્બ્યુલન્સ, મોબાઇલ મેડિકલ યુનિટ તથા આવા દરદીઓને સારવાર આપતી હૉસ્પિટલોની યાદીની માગણી કરી હતી. અરજદારોએ જેમને હૉસ્પિટલાઇઝેશનની જરૂર ન હોય અને ચેકઅપ, ડાયાલિસિસ કે એવી સારવાર જોઈતી હોય એવા દરદીઓ માટે મોબાઇલ ક્લિનિક્સ અને પૅરામેડિકલ સર્વિસિસ જુદા-જુદા ઠેકાણે શરૂ કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાના વકીલ અનિલ સાખરેએ જણાવ્યું હતું કે ‘અમે અરજદારોનાં સૂચનોનો અભ્યાસ કર્યો છે. એના પર વિચારણા માટે થોડા સમયની જરૂર છે. જોકે એ સૂચનોમાંથી મોબાઇલ ક્લિનિક્સ, મેડિકલ અમે પૅરામેડિકલ સ્ટાફ દરેક ઘરમાં જાય છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં ડોર ટુ ડોર સ્ક્રીનિંગ ચાલે છે.’

જોકે મોબાઇલ ક્લિનિક્સ કે  ડોર ટુ ડોર સ્ક્રીનિંગ કયા વિસ્તારોમાં ચાલે છે અને શું કામ કરે છે એની વિગતો મહાનગરપાલિકાએ આપી નહીં હોવાનું અરજદારોએ જણાવ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તાએ અરજી અને પાલિકાના જવાબની આગામી સુનાવણી ૨૬ મે પર મુલતવી રાખી છે.

coronavirus covid19 mumbai mumbai news