શહેરના મેયર પીએ છે સૌથી વધુ પ્રદૂષિત પાણી

26 August, 2012 05:04 AM IST  | 

શહેરના મેયર પીએ છે સૌથી વધુ પ્રદૂષિત પાણી

મહાનગરપાલિકાના ૨૦૧૧-’૧૨ના લેટેસ્ટ એન્વાયર્નમેન્ટ સ્ટેટસ રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે શહેરના લોકો ૧૬ ટકા જેટલું પ્રદૂષિત પાણી પીએ છે અને પ્રદૂષણનું સૌથી વધારે પ્રમાણ ગોરેગામમાં ૨૬ ટકા જેટલું નોધાયું છે. નોંધનીય છે કે આ વૉર્ડ શહેરના મેયર સુનીલ પ્રભુનો છે એટલે એમ કહી શકાય કે શહેરના મેયર સૌથી વધારે પ્રદૂષિત પાણી પીએ છે. આ રિપોર્ટમાં પાણીમાં કેવી અશુદ્ધિઓની હાજરી છે એ વાતની સ્પષ્ટતા નથી કરવામાં આવી, પણ આવું પાણી પીવાથી ગૅસ્ટ્રોએન્ટરાઇટિસ અને ટાઇફૉઈડ જેવા રોગ થઈ શકે છે.

શહેરમાં સૌથી પ્રદૂષિત પાણી ગોરેગામનું છે અને પછી બીજા ક્રમે આવે છે અત્યંત ગીચ તથા વસ્તીથી ઊભરાતો કાલબાદેવીનો વિસ્તાર. અહીં પાણીમાં ૨૫.૪૨ ટકા જેટલાં દૂષિત તત્વો નોંધાયાં છે. આ સિવાય શહેરના ભાયખલા, કુર્લા અને પરેલ-લાલબાગ વિસ્તારમાં અનુક્રમે ૨૧.૫૦ ટકા, ૨૧.૦૪ ટકા અને ૧૯.૬૮ ટકા દૂષિત તત્વોની હાજરી જોવા મળી છે. શહેરમાં પાણીમાં દૂષિત તત્વોનું સૌથી ઓછું પ્રમાણ માટુંગા વિસ્તારમાં ૧૦.૪૪ ટકા જેટલું જોવા મળ્યું છે. આ મુદ્દે વાત કરતાં ગોરેગામ (વેસ્ટ)માં રહેતા સચિન ચવાણે કહ્યું હતું કે ‘ગોરેગામમાં પ્રદૂષિત પાણીની સમસ્યા બહુ ગંભીર છે. અહીં વ્યક્તિ જો બહુ દબાણ ન કરે તો સુધરાઈના અધિકારીઓ આ ફરિયાદને બહુ ગંભીરતાથી નથી લેતા. અહીં સ્ક્વૉટર્સ કૉલોની, ભગત સિંહ નગર અને તીન ડોંગરી વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષિત પાણી મળે છે.’

મેયર સુનીલ જાધવ આ રિપોર્ટથી સાવ અજાણ છે. તેમણે કહ્યું હતું કે ‘પહેલાં હું આ રિપોર્ટ જોઈશ અને પછી સમસ્યાના ઉકેલ વિશે વિચારણા કરવામાં આવશે. પહેલાં તો હું તપાસ કરીશ કે પ્રદૂષણના આટલા મોટા પ્રમાણ માટે કયું કારણ જવાબદાર છે? કદાચ અહીં આવેલા તબેલાઓ નીચેથી પસાર થતી પાણીની મોટી પાઇપોમાં લીકેજ હશે જેના કારણે પાણીમાં પ્રદૂષણ ફેલાતું હશે.’

પાણીમાં પ્રદૂષણના આ પ્રમાણ વિશે જ્યારે મહાનગરપાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર રમેશ બાંભલેને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મેં હજી આ રિપોર્ટ જોયો નથી. મારે એ તપાસવું પડશે કે આ રિપોર્ટ કયા આધારે બનાવવામાં આવ્યો છે. પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ ૧૬ ટકા જેટલું થાય એ શક્ય નથી, કારણ કે આ પ્રમાણ ૧૩-૧૪ ટકાથી વધારે નથી.’

આ રિપોર્ટ દર વર્ષે ૨૪  મ્યુનિસિપલ વૉર્ડમાં ઉપલબ્ધ સૅમ્પલના અભ્યાસ પછી તૈયાર કરવામાં આવે છે અને એના પ્રમાણે ઘરોમાં જે પાણી આવે છે એમાં બૅક્ટેરિયા તેમ જ માટી અને સિવરેજના અંશ જોવા મળે છે. આ પાણી પીવાથી થતી સમસ્યા વિશે વાત કરતાં દાદરના જનરલ પ્રૅક્ટિશનર ડૉક્ટર નાવેદ પઠાણે કહ્યું હતું કે ‘દૂષિત પાણી પીવાથી ગૅસ્ટ્રોએન્ટરાઇટિસ, કૉલેરા, ટાઇફૉઈડ, હેપેટાઇટિસ-એ અને હેપેટાઇટિસ-સી જેવા પાણીજન્ય રોગો થઈ શકે છે. આ રોગોથી બચવા માટે લોકોએ ઉકાળેલું અને ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ. જે લોકો આવું દૂષિત પાણી પીએ છે તેમને પાણીજન્ય રોગો થવાની મહત્તમ શક્યતા હોય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેઓ તરત આવા રોગનો ભોગ બની જાય છે.’

રિપોર્ટ પ્રમાણે મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે જૂની પાઇપલાઇનો બદલવાનું કામ કરી રહી છે અને લગભગ ૬૨ કિલોમીટર પાઇપલાઇન બદલી નાખવામાં આવી છે અને ૧૬ વૉર્ડમાં લીકેજ દૂર કરવા માટે કૉન્ટ્રૅક્ટરોની નિમણૂક કરી દેવામાં આવી છે.