માથેરાન ટૉય ટ્રેનની સફર સલામત બનશે

06 February, 2017 07:07 AM IST  | 

માથેરાન ટૉય ટ્રેનની સફર સલામત બનશે


શશાંક રાવ

મુંબઈથી સાવ નજીકના હિલ-સ્ટેશન માથેરાનની ટૉય ટ્રેનના ટ્રૅક્સ ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બદલવામાં આવશે અને ઘાટના વિસ્તારમાંથી પસાર થતા રેલરૂટના બન્ને કાંઠે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે પ્રોટેક્ટિવ વૉલ્સ બાંધવામાં આવશે. યોજનામાં ટ્રેનના કોચ બદલીને ઍરબ્રેક્સ ધરાવતા નવા કોચ સામેલ કરવાની પણ જોગવાઈ છે. ટૉય ટ્રેનના વિશિષ્ટ નૅરોગેજ રૂટના રેલવે-ટ્રૅક્સ જોખમી સ્થિતિમાં છે અને ગયા વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં બે વખત ટ્રેન પાટા પરથી ખડી પડી હતી. સેન્ટ્રલ રેલવે અને રિસર્ચ ડિઝાઇન સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન ટૉય ટ્રેનના રૂટના નેરળ અને વૉટરપાઇપ સ્ટેશન વચ્ચેના ભાગનું નિરીક્ષણ કરશે.

કેન્દ્ર સરકારના આ વખતના બજેટમાં ટૉય ટ્રેનના આખા નેરળ માથેરાન રૂટના ટ્રૅક્સ બદલવાની સરકારે જોગવાઈ કરી છે. સરકારે એ પ્રોજેક્ટ માટે ૧૨.૮૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, પરંતુ ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન ટ્રૅક્સ બદલવાના કામમાં ફક્ત ત્રણ કરોડ રૂપિયા ખર્ચાશે. ટ્રેનને લપસી પડતાં, ખડી પડતાં કે ખીણમાં પડતી રોકવા માટે દોઢ કરોડ રૂપિયાને ખર્ચે પ્રોટેક્ટિવ વૉલ્સ ઉપરાંત અમન લૉજ અને માથેરાન વચ્ચેના સીધા ચડાણ પર ૬૫૦ મીટરના ભાગમાં ઍન્ટિ-ક્રૅશ બૅરિયર્સ તેમ જ અનેક ઠેકાણે ફેન્સ પણ બાંધવામાં આવશે. એ પ્રોજેક્ટ માટે બજેટમાં ૬.૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જોકે એ યોજના માટે કુલ ૬.૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. એક સદી જૂની ટ્રેન-સર્વિસ માટે આવશ્યક ફન્ડની કેન્દ્ર સરકારના બજેટમાં જોગવાઈ કરવામાં આવતાં એ કામ માટે ટેન્ડર્સ મગાવવામાં આવ્યાં છે.

થોડા સમયગાળામાં ઉપરાઉપરી બે વખત ટ્રેન પાટા પરથી ખડી પડવાને કારણે માથેરાન અને નેરળ વચ્ચે ટૉય ટ્રેનની સર્વિસ ૨૦૧૬ના મે મહિનાથી બંધ રાખવામાં આવી છે. હાલમાં પર્યટકો અને સ્થાનિક લોકોએ દસ્તુરી નાકા સુધીનું ચાર કિલોમીટરનું અંતર પાર કરવા માટે હમાલો અને ઘોડેસવારોને મોટી રકમો ચૂકવવાની અથવા ત્યાં સુધી ચાલીને જવાની ફરજ પડે છે. મે મહિનામાં ટૉય ટ્રેનની સર્વિસ બંધ કરવામાં આવી એ પહેલાં ટ્રેનની રવાનગીના સમયના પોણા કલાક પહેલાં ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હતું અને ટ્રેન રવાના થયા પછી બે કલાકમાં માથેરાન પહોંચાડતી હતી.