માથેરાનની ટૉય ટ્રેન બંધ કેમ કરી નાખી?

10 May, 2016 03:15 AM IST  | 

માથેરાનની ટૉય ટ્રેન બંધ કેમ કરી નાખી?



ભારતીય રેલવે માટેની એક શરમજનક ઘટનામાં સેન્ટ્રલ રેલવેએ અચાનક નેરળ–માથેરાન ટૉય ટ્રેન બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક અમલથી લેવામાં આવ્યો છે. આ નિર્ણય ૮ મેએ ટૉય ટ્રેન પાટા પરથી ખડી જવાના બીજા જ દિવસે લેવામાં આવ્યો છે.

સેન્ટ્રલ રેલવેના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘બાળકો અને કુટુંબો માટે જૉય રાઇડ જેવી ટૉય ટ્રેનની સર્વિસને સદંતર બંધ કરવાને બદલે એમની સંખ્યા ઘટાડી શકાઈ હોત. ઉનાળાના વેકેશનમાં માથેરાન મુંબઈગરાઓ માટે સૌથી નજીકનું હિલ–સ્ટેશન છે. આમ પણ આ સર્વિસ ૧૫ જૂનથી ચોમાસા દરમ્યાન બંધ રહે છે એટલે અચાનક આવા નિર્ણયની જરૂર નહોતી.’

સામાન્ય દિવસે સેન્ટ્રલ રેલવે

નેરળ–માથેરાન રૂટ પર ૧૨ સર્વિસ દોડાવી શકે છે જેમાં લગભગ ૧૭૦૦ પ્રવાસીઓ પ્રવાસ કરી શકે છે. જોકે સેન્ટ્રલ રેલવેએ આ ક્ષમતા ઘટાડીને આઠ કરી હતી અને દરરોજ ૭૦૦થી ૧૧૦૦ પૅસેન્જરોને લઈ જતી હતી. આ પરિસ્થિતિ પીક સીઝનની છે. નિયમિત ઑફ પીક સીઝનમાં ટૉય ટ્રેનમાં લગભગ ૫૦૦ લોકો જ દરરોજ પ્રવાસ કરે છે.

આ ઉપરાંત ૧૪ શટલ સર્વિસ દરરોજ અમન લૉજથી માથેરાન સુધી અન્ય ૧૦૦૦ પ્રવાસીઓની હેરફેર કરે છે. વાહનો લઈ જવા માટે અમન લૉજ છેલ્લું સ્થળ છે. ઘણા પ્રવાસીઓ ટૅક્સી દ્વારા અમન લૉજ સુધી આવે છે અને ત્યાર બાદ ટૉય ટ્રેન અથવા ઘોડા પર બેસીને માથેરાન પહોંચે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે નેરળ–માથેરાન માટે ટ્રેનની ટિકિટ માત્ર ૩૦થી ૪૦ રૂપિયા છે, જ્યારે ઘોડા પર સવાર થઈને માથેરાન પહોંચવાના ૩૦૦ રૂપિયા થાય છે.

સેન્ટ્રલ રેલવેના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટ્રેનનો પ્રવાસ માથેરાન જવું રોમાંચક બનાવતો હતો. જોકે અમે આ સર્વિસમાં ખોટ કરતા હતા, પરંતુ સમસ્યાનો હલ બીજી રીતે કાઢવો જોઈતો હતો. દર વર્ષે સેન્ટ્રલ રેલવે આ ટૉય ટ્રેન પાછળ લગભગ નવ કરોડ રૂપિયાની ખોટ કરતી હતી, જ્યારે આવક માત્ર ત્રણ કરોડ રૂપિયા હતી.’

સૂત્રોએ માન્યું હતું કે વીતેલાં વર્ષોમાં ટૉય ટ્રેન પાટા પરથી ખડી પડવી સામાન્ય થઈ ગયું હતું. એટલે ટ્રેનની સ્પીડ પર નિયંત્રણ મૂકવાનું જરૂરી બન્યું હતું અને નેરળથી માથેરાન પહોંચતાં ત્રણ કલાક લાગતા હતા. હાલમાં પણ રૂટમાં કેટલાંક સ્થળોએ કલાકદીઠ ૧૨ કિલોમીટરની ગતિમર્યાદા લાગુ હતી.

રેલવેના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘અગાઉ ૨૦૧૨ સુધી ડબ્બા અને એન્જિનમાં ઍર–બ્રેક હતી, પરંતુ રેલવેના સત્તાવાળાઓએ ડબ્બા ઉપરથી ખુલ્લા કર્યા હતા જેથી એમને પાર્ટીઓ અને ઇવેન્ટ માટે બુક કરી શકાય. આ સાથે ટ્રેનમાં વૅક્યુમ બ્રેક લગાવવામાં આવી હતી તેમ જ મન્કી–બ્રેકર્સ લગાવવામાં આવ્યાં હતાં જે ડબ્બાની પાછળ લાગેલાં હોય છે અને જ્યારે ડ્રાઇવર બ્રેક મારે ત્યારે હાથથી ઑપરેટ થઈ શકે છે.’

 છેલ્લી વાર ટૉય ટ્રેન પાટા પરથી ખડી પડી ત્યારે એ ખીણથી થોડા જ મીટર દૂર હતી. ટ્રેન થોડી વાર પહેલાં જ અમન લૉજથી ઊપડી હતી. સત્તાવાળાઓએ આ ઘટના માટે ત્રણ રેલવે–અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. બન્ને કિસ્સામાં ખોટી રીતે બ્રેક મારવાને લીધે અકસ્માત થયો હતો.