માથાડી કામદારોની આજે હડતાળ : એપીએમસી માર્કેટ બંધ રહેશે

14 December, 2020 08:15 AM IST  |  Mumbai | Mumbai correspondent

માથાડી કામદારોની આજે હડતાળ : એપીએમસી માર્કેટ બંધ રહેશે

ફાઇલ તસવીર

માથાડી કામદારોએ તેમની લાંબા સમયથી પ્રલંબિત માગણીઓને લઈને આજે રાજયભરમાં બંધનુ એલાન કર્યું હોવાથી આજે નવી મુંબઈની એપીએમસી માર્કેટ બંધ રહેશે. માથાડીઓના યુનિયને એવી પણ ચીમકી આપી છે કે જો મુખ્ય પ્રધાન તેમની માગણીઓ સંદર્ભે વહેલી તકે નિર્ણય નહીં લે તો તેઓ બેમુદત હડતાળ પાળશે.
માથાડી કામદારોના નેતા નરેન્દ્ર પાટીલે કહ્યું હતું કે ‘સત્તાધારીઓ દ્વારા લાંબા સમયથી માથાડીઓને તેમની સમસ્યા ઉકેલવાનાં માત્ર ઠાલાં આશ્વાસનો જ મળ્યાં છે. બીજું, જે માથાડીઓનાં કોવિડમાં મૃત્યુ થયાં છે તેમને પણ વળતર મળવું જોઈએ. માથાડીઓનો સમાવેશ અસેન્શિયલ સર્વિસ વર્કરમાં થવો જોઈએ. જો માથાડીઓ કામ કરવાનું બંધ કરી દે તો એપીએમસી ઠપ થઈ જાય. લૉકડાઉનમાં માથાડીઓએ માર્કેટમાં આવવા-જવામાં બહુ મુશ્કેલી ઉઠાવવી પડી છે. તેમને માર્કેટમાં આવવા-જવાની સુવિધા રહે એ માટે તેમને લોકલ ટ્રેનનો પાસ મળવો જોઈએ.’
મહારાષ્ટ્રમાં ૩૦૦ જેટલી એપીએમસી માર્કેટો છે. નવી મુંબઈમાં જ આવેલી પાંચ માર્કેટો દાણાબંદર, મસાલા માર્કેટ, કાંદા-બટાટા માર્કેટ, ભાજી માર્કેટ અને ફ્રૂટ માર્કેટમાં જ રોજના ૫૦,૦૦૦ લોકોની અવરજવર રહેતી હોય છે. માથાડીઓના નેતા તેમના સંબંધિત જિલ્લા અધિકારીને તેમની માગણીઓ સંદર્ભે એક નિવેદનપત્ર આપશે.

mumbai mumbai news apmc market