માથાડી કામદારોએ કામ બંધનો નિર્ણય જાહેર કર્યો : 4 દિવસ માર્કેટ નહીં ખૂલે

22 March, 2020 09:56 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

માથાડી કામદારોએ કામ બંધનો નિર્ણય જાહેર કર્યો : 4 દિવસ માર્કેટ નહીં ખૂલે

એપીએમસી માર્કેટ

કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે ત્યારે નવી મુંબઈની એપીએમસી માર્કેટ ખુલ્લી રાખવી કે નહીં એની અસમંજસ વચ્ચે ગઈ કાલે માથાડી કામગારના નેતાએ બંધનું એલાન કરી દેતાં હવે ચાર દિવસ માટે માર્કેટ બંધ રહેશે એ પાક્કું થઈ ગયું છે. જોકે માથાડી કામગાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો એપીએમસી માર્કેટે વિરોધ કર્યો હતો અને વેપારીઓને માર્કેટ ખુલ્લી રાખવાનું જણાવ્યું છે. બીજી બાજુ વેપારીઓએ કહ્યું હતું કે અમે લાચાર છીએ, માથાડી કામદાર વિના કામ કરવું શક્ય નથી.
એપીએમસી માર્કેટનું મોટા ભાગનું કામ માથાડી કામદાર પર નભતું હોય છે અને છેલ્લા ઘણા સમયથી કોરોના વાઇરસનો ફેલાવો અને એને કારણે ભયના વાતાવરણને જોતાં માથાડી કામદારોની ગઈ કાલે માર્કેટમાં કામ કરવું કે નહીં એ માટે મીટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં માથાડી કામદારો ચાર દિવસ કામ નહીં કરે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સંદર્ભે માથાડી કામગારના નેતા નરેન્દ્ર પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે કોરોના વાઇરસ ફેલાયો ત્યારથી એપીએમસી માર્કેટને સરકારે તાકીદ કરી હતી કે જરૂરી સલામતીભર્યાં પગલાં લો, પણ આખા મહારાષ્ટ્રની એપીએમસી થકી ઢીલ વર્તવામાં આવી રહી છે. નવી મુંબઈ એપીએમસી માર્કેટે પણ એ જ વલણ લીધું હતું. થર્મલ ચેક માટેનું મશીન રાખવાનું કહેવામાં આવ્યું હતું અને આ માટે અમે એક લેટર પણ લખ્યો હતો. તેઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હોવાને કારણે અમે અમારા કામદારોના જીવને જોખમમાં મૂકી શકીએ એમ નથી. આમ પણ બહારગામથી માલ ભરેલી એક પણ ગાડી નથી આવતી તો કામ પણ ઓછું થઈ ગયું છે.

સોમવારથી ફ્રૂટ જોવા નહીં મળે

કોરોના વાઇરસને કારણે ફ્રૂટ માર્કેટને ૩૧ માર્ચ સુધી બંધ કરવાનું નક્કી કર્યું છે, એવું ફ્રૂટ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ જણાવ્યું હતું. ફ્રૂટ માર્કેટ બંધ કરવામાં આવતાં સોમવારથી શહેરમાં એક પણ ફ્રૂટ જોવા નહીં મળે.

શહેરમાં માલની અછત ઊભી નહીં થવા દઈએઃ અરુણ ભીંડે

સરકારે જીવનજરૂરિયાતની ચીજવસ્તુને ખુલ્લી રાખવા પર પાબંદી નથી મૂકી, પણ એપીએમસી માર્કેટમાં માથાડી કામગારોએ કામ બંધ કરતાં આપોઆપ માર્કેટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાને કારણે વેપારીઓએ જબરદસ્તીથી બંધ પાળવાનો વારો આવ્યો છે. હાલમાં રેસ્ટોરાં બંધ હોવાથી અને રીટેલરોએ એટલો બધો માલ લઈ લીધો છે એટલે બંધને કારણે અછત સર્જાવાની શક્યતા નથી છતાં જીવનજરૂરિયાતમાં વપરાશમાં લેવાતી કરિયાણાની કોઈ પણ વસ્તુની અછત સર્જાશે તો અમે વેપારીઓ સ્ટૉલ લગાવીને અછતને પૂરી કરીશું, એવું નવી મુંબઈ કૉમોડિટીઝ બ્રોકર્સ અસોસિયેશનના ચૅરમૅન અરુણ ભીંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.

mumbai apmc market coronavirus covid19 national news