૩.૩૮ કરોડના સોનાની ચોરીના માસ્ટર માઇન્ડે ઍક્સિસ બૅન્ક સાથે કરી ૨૭ લાખની છેતરપિંડી

01 August, 2021 05:05 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

અનિલ દુબેએ હેડ ઑફિસમાં જમા કરવાના આ પૈસાની ઉચાપત કરી હતી, પણ ઑડિટ દરમિયાન એ પકડાઈ ગઈ.

અનિલ દુબેએ હેડ ઑફિસમાં જમા કરવાના આ પૈસાની ઉચાપત કરી હતી, પણ ઑડિટ દરમિયાન એ પકડાઈ ગઈ

ઈસ્ટની આઇસીઆઇસીઆઇ બૅન્કનાં અસિસ્ટન્ટ મૅનેજર યોગિતા ચૌધરીની હત્યાના મુખ્ય આરોપી અનિલ દુબેએ તેના નવા એમ્પ્લોયર ઍક્સિસ બેન્કની નાયગાંવ શાખા સાથે ૨૬.૮૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. રોકડ અનામતના ઑડિટ દરમિયાન રોકડ ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તેને ધરપકડ થવાનો એટલો ડર હતો કે તે અઠવાડિયાથી કામ પર ગેરહાજર રહ્યો હતો. એથી તેણે તેના ભૂતપૂર્વ કાર્યસ્થળમાંથી ૩.૩૮ કરોડ રૂપિયાનું સોનું લૂંટવાની યોજના બનાવી હતી. તે ૧૫ મહિના સુધી આઇસીઆઇસીઆઇ બૅન્કમાં કામ કરતો હોવાથી તેને કામની દિનચર્યા વિશે જાણ હતી. ઍક્સિસ બૅન્કે પણ અનિલ દુબેને તાત્કાલિક અસરથી કામ પરથી હટાવી દીધો હતો. વાલિવ પોલીસ સ્ટેશનમાં કલમ ૪૦૮ અને ૪૦૯ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ વિરાર પોલીસે આઇપીસીની કલમ ૩૯૭ , ૩૦૨, ૩૦૭ હેઠળ કેસ નોંધ્યો હોવાથી વસઈ કોર્ટ દ્વારા ૬ ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડીનો આદેશ અપાયો છે.

આઇસીઆઇસીઆઇ બૅન્કની કૅશિયર શ્રદ્ધા દેવરુખકરની હાલત હજી પણ નાજુક છે અને તેને લીલાવતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તે હુમલો અને તેની સાથી યોગિતા ચૌધરીની હત્યાને કારણે આઘાતની સ્થિતિમાં છે. બન્ને મહિલાઓ કામ પર મિત્રો હતી. એક સંબંધીએ કહ્યું હતું કે તે આઘાતને કારણે માત્ર સાંકેતિક ભાષા દ્વારા વાત કરી રહી છે. 

વાલિવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અનિલ દુબેએ ૨૦૨૦ના ઑગસ્ટ મહિનામાં બ્રાન્ચ હેડ તરીકે જોડાયા પછી બૅન્કમાંના ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. મૅનેજર પાસે જે કરન્સી ઍક્સેસ થઈ હોય એને નિયમ પ્રમાણે હેડ ઑફિસમાં જમા કરવાની હોય છે. જોકે તેણે ૨૬.૮૪ લાખ રૂપિયા બૅન્કમાં જમા કરાવું છું એમ કહીને ચતુરાઈથી ગેરરીતિ કરી હતી અને બ્રાન્ચમાંથી પોતાની બૅગમાં લઈ ગયો હતો. તેણે એ રકમ બૅન્કમાં જમા કરાવી નહોતી અને પચાવી પાડી છે. એ હવે ઑડિટ દરમિયાન એ ચોરી પકડાઈ ગઈ છે. એથી એ ફરિયાદના આધારે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આરોપી વિરાર પોલીસના તાબામાં છે જલદી અમે પણ તેને તાબામાં લઈને પૂછપરછ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું.’

mumbai mumbai crime news