07 October, 2025 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આગ વિકરાળ હોવાને લીધે કલ્યાણ, ભિવંડી અને ઉલ્હાસનગરનાં ફાયર-એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં
મુંબઈ–નાશિક હાઇવે પર આવેલા કેમિકલ ભરેલા એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન ફાયર-બ્રિગેડના એક અધિકારીને ઈજા થઈ હતી. એક અધિકારીએ આપેલી માહિતી મુજબ આ ઘટના રવિવારે રાતે ૯.૪૫ વાગ્યે બની હતી. કેમિકલને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ધુમાડાના ગોટા અને કેમિકલની વાસ આખા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ફેલાઈ ગઈ હતી. આગ વિકરાળ હોવાને લીધે કલ્યાણ, ભિવંડી અને ઉલ્હાસનગરનાં ફાયર-એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. આગ સોમવારે બપોર સુધી કાબૂમાં આવી નહોતી. આ દરમ્યાન ઘટનાસ્થળે હાજર ફાયર અધિકારી ફાયર સૂટ પહેરતી વખતે લપસીને ગટરમાં પડી જતાં તેમને ઈજા થઈ હતી. આ સિવાય આગને કારણે અન્ય કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
પોલીસે દિવાળી પહેલાં આકાશ કંદીલ ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો
દિવાળીમાં આકાશમાં ઉડાડવામાં આવતાં કંદીલ પર મુંબઈ પોલીસે પ્રતિબંધ મૂકી દીધો છે. આકાશમાં કંદીલ ઘણી વાર સળગીને ઇલેક્ટ્રિક વાયર, બિલ્ડિંગ, વાહનો કે ઝૂંપડાંઓ પર પડતાં જોખમ ઊભું થાય છે. અમુક અસામાજિક તત્ત્વો બદઇરાદાથી લોકોને નુકસાન પહોંચાડવા માટે પણ આવાં કંદીલનો ઉપયોગ કરતાં હોવાથી પોલીસે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે. ૧૨ ઑક્ટોબરથી ૧૦ નવેમ્બર સુધી કંદીલના સ્ટોરેજ, વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી મુંબઈ પોલીસે આપી છે.