દહિસરના મારવાડી જ્વેલરે આર્થિક મુશ્કેલીમાં જીવન ટૂંકાવ્યું?

16 November, 2020 09:44 AM IST  |  Mumbai | Mehul Jethva

દહિસરના મારવાડી જ્વેલરે આર્થિક મુશ્કેલીમાં જીવન ટૂંકાવ્યું?

પંદર દિવસ પહેલાં રહસ્યમય રીતે ગાયબ થયેલા દહિસરના મારવાડી જૈન જ્વેલર્સનો મૃતદેહ ઉત્તનના દરિયામાંથી મળ્યો હતો.

થાણેમાં ઘોડબંદર રોડ પર ઓવળા નાકા પર રહેતા અને દહિસરમાં જ્વેલરીની દુકાન ધરાવતા મારવાડી સમાજના વિમલ જૈનની ડેડ-બૉડી ગઈ કાલે બપોરે ઉત્તન પાલી બંદર પાસેના દરિયાકાંઠેથી મળી આવી હતી. જ્વેલર ૧૫ દિવસથી મિસિંગ હોવાથી થાણેમાં રહેતા તેના પરિવારે કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં તેઓ મિસિંગ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. લૉકડાઉનને લીધે આર્થિક મુશ્કેલીમાં આવીને તેમણે આવું અંતિમ પગલું ભર્યું હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ થાણેના ઘોડબંદર રોડ પરના ઓવળા નાકા પાસેની સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષના વિમલ જૈન દહિસરમાં વિનાયક જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. તેઓ ૧૫ દિવસથી ગાયબ હોવાથી પરિવારે થાણેના કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં તેમની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસતપાસમાં તેમની મોટરસાઇકલ ઘોડબંદર રોડ પર ગાયમુખ વિસ્તારમાંથી મળી આવી હતી.
રવિવારે એટલે બપોરે ભાઈંદરના ઉત્તનના દરિયાકિનારે એક મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. મરનારે પહેરેલાં કપડાના ખિસ્સામાંથી બાઇકની આરસી-બુક મળી આવતાં આ મૃતદેહ વિમલ જૈનનો હોવાનું જણાયું હતું. ઉત્તન કોસ્ટલ પોલીસે મૃતદેહની માહિતી શૅર કરતાં જણાયું હતું કે થાણે પોલીસના કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં વિમલ જૈનની મિસિંગની ફરિયાદ નોંધાઈ છે. ઉત્તન કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સતીશ નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિમલ જૈનની ડેડ-બૉડી રવિવારે બપોરે એક વાગ્યે મળી આવી હતી. આારસી-બુકના આધારે આ મૃતદેહ થાણેમાં રહેતા વિમલ જૈનનો હોવાનું જણાયું હતું.’
કાસારવડવલી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી વિજય ગાડાનુસકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરનાર વિમલ જૈન ૧ નવેમ્બરથી ગુમ હોવાની ફરિયાદ તેમના પરિવાર દ્વારા નોંધાઈ હતી. પત્ની અને એક પુત્રી સાથે તેઓ ઓવળા વિસ્તારમાં રહેતા હતા. તપાસમાં એમ પણ સામે આવ્યું હતું કે તેઓ લૉકડાઉનને લીધે આર્થિક મુશ્કેલીમાં હતા.’
વિમલ જૈનના ભત્રીજા તેજલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમનો પરિવાર અત્યારે રાજસ્થાનમાં છે. સંપર્ક કરીને અમે બોલાવ્યા છે. તેમની દહિસરમાં જ્વેલર્સની દુકાન છે. તેમણે કયા કારણસર આ પગલું ભર્યું હતું એની અમને જાણ નથી.’

mumbai mumbai news mehul jethva