ડેન્ગીને લીધે લગ્ન થયાં પોસ્ટપોન

26 November, 2014 03:27 AM IST  | 

ડેન્ગીને લીધે લગ્ન થયાં પોસ્ટપોન




ખુશાલ નાગડા અને સપના દેસાઈ 

ચેમ્બુરમાં રહેતા ૨૫ વર્ષના વિશાલ વિસનજી ગાલાનાં આવતી કાલે લગ્ન છે અને આજે માંડવા મુરત છે, પણ તેને ડેન્ગી થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્લેટલેટ્સ ઓછા થઈ જવાને કારણે હૉસ્પિટલમાંથી રજા મળવાની શક્યતા ઓછી હોવાથી બધાં ફંક્શનનો રદ કરીને લગ્ન મુલતવી રાખી દેવામાં આવ્યાં છે.

ચેમ્બુર (ઈસ્ટ)માં પોસ્ટલ કૉલોની રોડ, સર્વોદય એસ્ટેટમાં રહેતા ૨૫ વર્ષના મૂળ કચ્છના માંડવી તાલુકાના મોટા રતાડિયા ગામના વિશાલ ગાલાનો પોતાનો મોબાઇલ સ્પેરપાર્ટ્સનો બિઝનેસ છે અને લગભગ નવ મહિના પહેલાં તેની સગાઈ થાણેની શેફાલી વિકમ સાથે થઈ હતી અને ૨૭ નવેમ્બરે તેનાં લગ્ન નક્કી થયાં હતાં. લગ્નની તારીખ નક્કી થયા બાદ જોરશોરથી તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ અને લગ્નને માંડ છ દિવસ બાકી રહ્યા ત્યારે વિશાલને ડેન્ગી હોવાનું નિદાન થતાં તેને રવિવારે ચેમ્બુરમાં પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે, પણ બ્લડમાં પ્લેટલેટ્સ ઓછા થઈ રહ્યા હોવાને કારણે ડૉક્ટરો કોઈ રિસ્ક લેવા નથી માગતા. એટલે તેને હૉસ્પિટલમાંથી કોઈ પણ હિસાબે રજા આપવા તૈયાર નથી.

થાણેમાં રહેતી મૂળ કચ્છના મોટી ખાખરની કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિની શેફાલીના ઘરે ગઈ કાલે મેંદીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો એ દરમ્યાન તેણે ‘મિડ-ડે’ને ફોન પર કહ્યું હતું કે ‘વિશાલની તબિયતની બહુ ચિંતા થઈ રહી છે અને તે બહુ જલદી સારો થઈ જાય એવી અમારી પ્રાર્થના છે.’