નાલાસોપારાના એક ગુજરાતી કપલની લગ્ન ને રિસેપ્શનની અનોખી કંકોતરી

30 November, 2014 05:31 AM IST  | 

નાલાસોપારાના એક ગુજરાતી કપલની લગ્ન ને રિસેપ્શનની અનોખી કંકોતરી






આ કંકોતરી જોઈને પહેલી નજરે તો એવું જ લાગશે કે આ કંકોતરી નથી, કોઈક બૅન્કનું ATM કાર્ડ છે. જોકે તેમની આ અનોખી કંકોતરીએ લોકોનાં મન મોહી લીધાં છે અને એનું આકર્ષણ જાગતાં એને જોવા લોકો ઘરે આવતા હતા. લગ્નની સીઝન આવી જ ગઈ છે ત્યારે હવે બીજા ઘણા લોકો આવી કંકોતરી બનાવશે એની પાકી ખાતરી છે.

નાલોસાપારા (ઈસ્ટ)ના તુલિંજ રોડ પર આવેલા નારાયણનગરમાં રહેતા પ્રોફેસર નિકુંજ સોનીએ ત્વ્ કંપનીમાં કામ કરતી સોનમ સાથે શુક્રવારે ૨૮ નવેમ્બરે ગામમાં લગ્ન કર્યા હતાં અને આજે સાંજે એનું રિસેપ્શન રાખ્યું છે. લગ્ન અને રિસેપ્શનની કંકોતરી તો અનોખી છે જ અને સાથે વૉટ્સઍપ પર આમંત્રણ આપતો વિડિયો પણ બનાવવામાં આવ્યો છે. વાઇફને સ્પેશ્યલ ફીલ કરાવવા કંઈક કરવું હતું એમ જણાવતાં નિકુંજ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અગાઉ મારા ભાઈનાં લગ્નમાં સોનમ સાથે મારી ઓળખાણ થઈ અને ત્યાર બાદ અમે બન્ને એકમેકને પસંદ કરવા લાગ્યાં અને છેલ્લાં સાડાપાંચ વર્ષથી એકમેક સાથે છીએ. બે વર્ષ એકમેકને સમજવામાં અને મિત્ર બનીને વિતાવ્યાં અને ત્રીજા વર્ષે પરિવારને જાણ કરી. ચોથા વર્ષે સોનમના ફાધર એક્સપાયર થયા અને ત્યાર બાદ તેમના સંબંધી ગુજરી ગયા અને આમ સાડાપાંચ વર્ષ પછી અમારાં લગ્ન થયાં છે. જોકે સોનમનાં લગ્ન તેના કાકાએ કરાવ્યાં હોવાથી સાદગીથી જ કર્યા હતાં. સોનમને સ્પેશ્યલ ફીલ કરાવવું હતું અને મને પણ લગ્નમાં કંઈક અલગ કરવું હતું એટલે મેં અમારાં લગ્નની કંકોતરી કંઈક અલગ જ બનાવી હતી. છેલ્લા અમુક મહિનાથી ડિઝાઇન શોધીને કન્સેપ્ટ વિચાર્યો હતો અને પછી કંકોતરી મેં પોતે જ બનાવી લીધી હતી. લગ્ન શુક્રવારે ગુજરાતના બાલાસિનોર ગામમાં કર્યા હતાં અને એમાં વધુ લોકોને બોલાવ્યા નહોતા, પરંતુ આજે યોજાનારા રિસેપ્શનમાં બધાને બોલાવ્યા છે. સાંજે ૩થી ૬ વાગ્યા દરમ્યાન પારંપરિક ગરબા અને પછી રિસેપ્શન રાખવામાં આવ્યું છે.’

- પ્રીતિ ખુમાણ ઠાકુર