ન ઘર મળ્યું, ન ભાડું : ભીખ માગવી પડે છે

28 July, 2021 08:11 AM IST  |  Mumbai | Hemal Ashar

...અથવા તો ઉધાર લઈને દિવસો કાઢવા પડે છે : આ હાલત છે મરીન લાઇન્સ પાસેના ચંદનવાડી બીઆઇટી ચાલના ભાડૂતોના : તેમનો રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ રખડી પડ્યો છે અને બે વર્ષથી તો ભાડું પણ નથી મળી રહ્યું

મરીન લાઇન્સની ચંદનવાડી ખાતેની બીઆઇટી ચાલના રીડેવલપમેન્ટન​ું કામ છેલ્લાં ત્રણ વર્ષથી સાવ જ ઠપ થઈ ગયું છે.

લૉકડાઉન લાગુ હોય કે ન હોય, એનાથી ચંદનવાડી ખાતેની બ્રિટિશ ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ (બીઆઇટી) ચાલના ભાડૂતોના જીવનમાં ખાસ કશો ફરક પડતો નથી. સૂચિત રીડેવલપમેન્ટના પ્રોજેક્ટને પગલે તેઓ ૨૦૧૪-૧૫થી તેમના ઘરમાં રહેતા નથી. તેમનું કહેવું છે કે શરતોમાં જણાવ્યું છે કે પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂરો થઈ જશે. જોકે ન તો તેમને ઘર પાછાં મળ્યાં કે નથી છેલ્લાં બે વર્ષથી ૩૨,૦૦૦ રૂપિયાનું માસિક ભાડું મળ્યું. એમાંના ઘણા લોકોને અસ્તિત્વ ટકાવી રાખવા માટે પૈસા ઉધાર લેવાની ફરજ પડી છે.
આ ચાલ ચંદનવાડી સ્મશાનગૃહ નજીક મરીન લાઇન્સ પાસે આવેલી છે. રીડેવલપમેન્ટની શરતો અનુસાર દરેક ભાડૂતને ૧૧,૧૧,૦૦૦ રૂપિયાનું ભંડોળ અને જ્યાં સુધી પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી દર મહિને ૩૨,૦૦૦ રૂપિયા ભાડું મળવાનું હતું. કુલ ૬૮૭ ભાડૂતો છે અને તેમણે જણાવ્યું હતું કે દરેકને ૪૨૫ સ્ક્વેર ફૂટનો કાર્પેટ એરિયા મળશે એવું વચન આપવામાં આવ્યું હતું.
ડેવલપરે ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો, પણ પાંચ વર્ષ વીતવા છતાં પ્રોજેક્ટ પૂરો થવાનાં કોઈ એંધાણ વર્તાતાં નથી. ત્રિપક્ષી કરાર મામલે ભાડૂતો અને ડેવલપર્સ વચ્ચે મતભેદ, રેસિડેન્શિયલ સોસાયટીનું રજિસ્ટ્રેશન તથા અન્ય સમસ્યાઓને કારણે પ્રોજેક્ટ ટલ્લે ચડ્યો છે.
રૉક મોન્ટિરો નામના એક ભાડૂતે જણાવ્યું હતું કે ‘મારો પરિવાર અત્યારે દક્ષિણ મુંબઈના અન્ય સ્થળે રહે છે અને જેમ-તેમ કરીને હપ્તામાં ભાડું ચૂકવીએ છીએ. અમારે અમારી જીવનશૈલી પર કાપ મૂકવો પડ્યો છે અને આહાર તથા ખર્ચમાં કરકસર કરવી પડે છે. આ ઘણો મુશ્કેલ સમય છે.’
અન્ય એક ભાડૂત જયદીપ રાનપિસેએ જણાવ્યું હતું કે ‘કેટલાક ભાડૂતો અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભીખ માગી રહ્યા છે અને ઉધાર માગી રહ્યા છે. કેટલાક લોકોએ તો આ મુસીબતના સમયમાં તેમનાં ઘરેણાં સુધ્ધાં વેચી નાખ્યાં છે. આ ગંભીર સ્થિતિ છે અને લોકો ગુજરાન ચલાવવા માટે કશું પણ કરવા તૈયાર છે. આ મામલે કોઈ હસ્તક્ષેપ કરે એ જરૂરી છે.’
બીજી તરફ ૬૩ વર્ષનાં જેન રિબેરો તેમની આપવીતી કહેતાં-કહેતાં આ રિપોર્ટર સમક્ષ ફોન પર રડી પડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘મારા માથે ઘણું દેવું થઈ ગયું છે. મેં વિચાર્યું હતું કે હું ચર્ચગેટ સ્ટેશન પર જઈને અમારી દુર્દશા કહેતું પ્લૅકાર્ડ લઈને બેસી જઈશ. આ લોકો રમત રમી રહ્યા છે. તેમને માણસ કેવી રીતે કહેવા? ખોરાક માટે પૈસા માગવા ભારે અપમાનજનક છે. મને મારું ઘર જોઈએ છે. હું મારા સંબંધીના ઘરે રહું છું, પરંતુ તેમને પણ મુશ્કેલી પડી રહી છે.’
બીજી તરફ આ પ્રોજેક્ટના ડેવલપર્સ વેલેન્સિયા-મિશેલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર આતિફ યાકુબે જણાવ્યું હતું કે ‘અમે બે વર્ષ પહેલાં ભાડું ચૂકવવાનું બંધ કર્યું હતું. ૨૦૧૯માં ભાડુતોએ ત્રિપક્ષી કરાર સાઇન કરવાનો ઇનકાર કર્યો એ સાથે સમસ્યા શરૂ થઈ. ત્યાર પછી અમને સમજાયું કે ભાડૂતો ભાડામાંથી નફો રળી રહ્યા છે. અમે તેમને પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી રહેવા માટે કાંદિવલીમાં એક નવા બિલ્ડિંગની ઑફર કરી જે તેમણે ઠુકરાવી દીધી. અમે તેમને સ્ટેશનથી સાવ નજીક કાંદિવલીમાં ફ્લૅટ્સ માટે અલૉટમેન્ટ લેટર્સ પણ આપ્યા હતા. તેઓ વસઈ-વિરારમાં રહેવા માગતા હતા, કાંદિવલીમાં નહીં. અમે કોર્ટમાં પણ આ જણાવ્યું હતું. આ મામલો હવે કોર્ટમાં ચાલી રહ્યો છે, પણ શાંતિપૂર્ણ સમાધાન થવાની અમને આશા છે.’
દક્ષિણ મુંબઈના શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંતે આ મામલે ૨૪ મેના રોજ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર એસ. જયસ્વાલને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે ‘અક્ષમ્ય વિલંબ થયો છે. પાંચ વર્ષ થઈ ગયાં. ડેવલપરે બે વર્ષ પછીનું ભાડું ચૂકવ્યું નથી અને નિર્માણકાર્ય ત્રણ વર્ષ પહેલાં અટકાવી દેવાયું હતું. ઉપર જણાવ્યું એમ મને આ ડેવલપર અંગે શંકા છે, પણ એમસીજીએમે ગેરરીતિ તથા ડેવલપરે કરેલા કરારભંગને નજરઅંદાજ કર્યો એના કારણે સંઘર્ષ કરી રહેલા અને આશ્રય માટે વલખાં મારી રહેલા લોકોના જીવન સામે જોખમ સર્જાયું છે. મહામારીમાં સ્થિતિ વધુ વણસી છે.’

Mumbai mumbai news marine lines ms hemal ashar