25 July, 2025 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરો મરાઠીના મુદ્દે વધુ ને વધુ આક્રમક થઈ રહ્યા છે. નવી મુંબઈની ૩૫૦૦ જેટલી સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં હજારોની સંખ્યામાં બહારથી આવેલા બિનમરાઠી કામદારો છે એથી એ ઇન્ડસ્ટ્રીઓનું ઑડિટ કરવામાં આવે એવી માગણી નવી મુંબઈના MNSના પ્રેસિડેન્ટ ગજાનન કાળેએ કરી છે.
ગજાનન કાળેએ આ બાબતે કહ્યું હતું કે રાજ્ય સરકારે ઇન્ડસ્ટ્રીઓમાં ૮૦ ટકા સ્થાનિક લોકોને નોકરી પર ફરજિયાત રાખવા એવો નિયમ બનાવ્યો છે, પણ એ નિયમનું પાલન થતું નથી એટલે આ ઇન્ડસ્ટ્રીઓનું ઑડિટ થવું જોઈએ.
એ સિવાય વાશીની એક કૉલેજમાં જ્યારે વિદ્યાર્થીઓના એક ગ્રુપને એક વિદ્યાર્થીએ તેની સાથે મરાઠીમાં વાત કરવાનું કહ્યું ત્યારે એ ગ્રુપે તેની મારઝૂડ કરી હતી. ગજાનન કાળેએ કહ્યું હતું કે હવે મરાઠી અને બિનમરાઠી વચ્ચેનો મુદ્દો કૉલેજમાં પણ અસર કરી રહ્યો છે એથી રાજ્ય સરકારે આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જરૂરી છે.