મરાઠી ફિલ્મ પુન્હા રાધાબાઈ ચાળનાં પોસ્ટરો વિવાદમાં સપડાયાં

20 October, 2012 05:50 AM IST  | 

મરાઠી ફિલ્મ પુન્હા રાધાબાઈ ચાળનાં પોસ્ટરો વિવાદમાં સપડાયાં



૧૯૯૩માં બાબરી મસ્જિદના પ્રકરણ બાદ જોગેશ્વરીની રમાબાઈ ચાલમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે થયેલાં તોફાનો પર આધારિત મરાઠી ફિલ્મ ‘પુન્હા રાધાબાઈ ચાળ’નાં પોસ્ટરો વિવાદમાં ફસાયાં છે. આ ફિલ્મનાં પોસ્ટરો પર ધાર્મિક સ્થળોને બાળવામાં આવતી તસવીરો છે. ઉપરાંત આ ફિલ્મ વિવાદસ્પદ હોવાથી પોસ્ટરોના વિરોધમાં ગુરુવારે વસોર્વા પોલીસ-સ્ટેશનમાં ફિલ્મના નિર્માતા સહિત સાત જણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ સંદર્ભે રતન બાલાજી ફિલ્મ્સ, ફિલ્મનિર્માતા મનીષ ઘૂરી તથા કુશલ ઘૂરી, દિગ્દર્શક સતીશ મોતસિંહ, સહનિર્માતા સુરેશ તથા રાજેશ નાયર વિરુદ્ધ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વસોર્વા પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘જોગેશ્વરી (વેસ્ટ)ના યાદગાર અપાર્ટમેન્ટમાં રહેતા ૩૬ વર્ષના સગીર અહમદ શેખ અને અબ્દુલ મોઇદ શેખ ગુરુવારે જોગેશ્વરી (વેસ્ટ)ના વસોર્વા યારી રોડ પર આવેલી મદીના મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા એ વખતે તેમણે આ મસ્જિદ સામે લગાવવામાં આવેલું મરાઠી ફિલ્મ ‘પુન્હા રાધાબાઈ ચાળ’નું પોસ્ટર જોયું હતું એટલે પોલીસ-સ્ટેશનમાં તેમણે એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોસ્ટર પર ફિલ્મનું નામ ‘પુન્હા રાધાબાઈ ચાળ’ લખવામાં આવ્યું છે અને ૧૯૯૩માં બાબરી મસ્જિદ પ્રકરણ બાદ જોગેશ્વરીની રાધાબાઈ ચાલમાં જેવાં કોમી તોફાનો થયાં હતાં એવાં જ તોફાનોની તસવીર દેખાડવામાં આવી છે તથા ધાર્મિક સ્થળોને પણ બાળતી તસવીરો આ પોસ્ટર પર છે એને કારણે એ વિવાદસ્પદ હોવાથી અમે ફરિયાદ નોંધી હતી.’

હાલમાં પોલીસે આ ફિલ્મનાં પોસ્ટરો જે વિસ્તારમાં લગાવવામાં આવ્યાં હતાં ત્યાંથી કાઢીને જપ્ત કયાર઼્ છે.