તુકારામ મુંઢેની ટ્રાન્સફર કરી છે તો જોઈ લેજો

15 June, 2026 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

FDAના નવા કમિશનરની બદલીની ચર્ચા ઊપડી છે ત્યારે મરાઠા નેતા મનોજ જરાંગેની સરકારને ચીમકી

મનોજ જરાંગે અને તુકારામ મુંઢે

ઇન્ડિયન ઍડ્‍મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)ના નો નૉન્સેન્સ ઑફિસર તુકારામ મુંઢેને મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તરીકે પદભાર સંભાળ્યાને માંડ એક મહિનો પણ પૂરો નથી થયો ત્યાં તેમની ફરી એક વખત બદલી થશે એવી ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે મરાઠા ​રિઝર્વેશન માટે લડત ચલાવતા ચળવળકાર મનોજ જરાંગે તેમના સમર્થનમાં આવ્યા છે. મનોજ જરાંગેએ સરકારને તુકારામ મુંઢેની બદલી ન કરવા ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તેમની બદલી કરાઈ તો અમે સરકારની પાછળ પડી જઈશું.

મનોજ જરાંગેએ તુકારામ મુંઢેની બદલી ન થવા પાછળનું કારણ જણાવતાં કહ્યું, ‘તુકારામ મુંઢેએ ભેળસેળ કરનારાઓ વિરુદ્ધ જે ઝુંબેશ શરૂ કરી છે એનાથી સામાન્ય લોકોનું જીવન સુધરશે અને દૂધઉત્પાદકોને તથા ખેડૂતોને પણ ફાયદો થશે. તેમની ઝુંબેશ બાદ હોટેલોમાંથી નકલી પનીર ગાયબ છે અને પાનના ગલ્લા પર ચાલતા અન્ય ધંધાઓ પણ બંધ  છે. જો સરકાર તેમની બદલી કરશે તો અમે સરકારની પાછળ પડી જઈશું. તુકારામ મુંઢે પ્રામાણિકપણે કામ કરનારા ઑફિસર છે અને જો તેમના પર દબાણ લાવીને તેમની બદલી કરવામાં આવશે તો સરકારે ગંભીર પરિણામો ભોગવવાં પડશે.’

ઉલ્લેખનીય છે કે તુકારામ મુંઢેએ બનાવટી પનીર, દવાઓ, નશીલા પદાર્થો તેમ જ કેમિકલવાળાં ફળ અને શાકભાજી તથા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો પર કડક કાર્યવાહી શરૂ કરી છે. એને કારણે તેમની બદલી થવાની અને તેમના પર હુમલો થવાની ધમકીઓ પણ મળવા લાગી છે ત્યારે મહારાષ્ટ્રના ખેડૂતોએ તુકારામ મુંઢેને પૂરું સમર્થન આપ્યું છે.

મનોજ જરાંગેએ તુકારામ મુંઢેનાં વખાણ કરતાં કહ્યું, ‘સન્ડે હો યા મન્ડે...૨૪ તાસ ઑન ડ્યુટી તુકારામ મુંઢે’

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra manoj jarange patil