નક્સલવાદીઓનો ટાર્ગેટ મુંબઈના બિઝનેસમેન

07 October, 2011 05:44 PM IST  | 

નક્સલવાદીઓનો ટાર્ગેટ મુંબઈના બિઝનેસમેન

 

અકેલા

મુંબઈ, તા. ૭


નવા બિઝનેસની ઑફર અને ફ્રી ઍરટિકિટની લાલચ બતાવીને ઘાટકોપરવાસીનું અપહરણ કર્યું: ત્રણ દિવસ જુલમ ગુર્જાયા બાદ ૧ લાખ રૂપિયાની ખંડણી પડાવી


આ વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષના રાજેન્દ્ર ગોપીનાથ ખાનવિલકરને મલ્ટિ-લેવલ માર્કેટિંગ બિઝનેસમાં જોડાવા માટે નાગાલૅન્ડ આવવાનું આમંત્રણ મળ્યું હતું અને ત્યાં સુધી પહોંચવા માટે ફ્રી ઍરટિકિટ આપવામાં આïવી હતી. રાજેન્દ્ર ખાનવિલકર સામાન લઈને નાગાલૅન્ડ પહોંચ્યા ત્યારે ગણતરીના સમયમાં તેમને એ વાતની ખબર પડી હતી કે નાગાલૅન્ડના નક્સલવાદીઓએ તેમનું અપહરણ કર્યું છે. આખરે તેમના પરિવારે એક લાખ રૂપિયાની ખંડણી ભરી ત્યારે નક્સલવાદીઓએ તેમને ત્રણ દિવસ પછી મુક્ત કર્યા હતા.

રાજેન્દ્ર ખાનવિલકરે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મારા માટે આ બીજો જનમ છે. તેમણે મારા પર ત્રણ દિવસ સુધી અમાનવીય અત્યાચાર કર્યો હતો. તેમણે મારા પર બંદૂક તાકી રાખી હતી અને સતત ત્રણ દિવસ સુધી વાંસથી માર્યો હતો. મને ખાવા માટે પણ ચા અને પાંઉ જ આપ્યાં હતાં. તેમણે મને એક બંગલામાં બંધ કરી દીધો હતો અને હાથકડી પહેરાવી દીધી હતી.’

ફરિયાદ પ્રમાણે નક્સલવાદીઓ સાથે સંકળાયેલા આ આતંકવાદીઓ દેશમાંથી પૈસાદાર વ્યક્તિઓને યેનકેન પ્રકારે તેમના ક્ષેત્રમાં બોલાવે છે. એક વાર વ્યક્તિ તેમના ક્ષેત્રમાં આવી જાય પછી તેઓ તેને પકડીને અત્યાચાર ગુજારે છે અને મુક્તિના બદલામાં પૈસાની માગણી કરે છે. એક વાર પૈસા મળી જાય પછી તેઓ અપહરણ કરેલી વ્યક્તિ પાસે બળજબરીથી તેના કોઈ મિત્રને ફોન કરાવે છે અને પછી તેનું પણ અપહરણ કરી લે છે.