મુંબઈમાં અનેક હૉસ્પિટલમાં ફાયર એનઓસી નથી

10 January, 2021 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં અનેક હૉસ્પિટલમાં ફાયર એનઓસી નથી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ભંડારામાં બાળકોની સરકારી હૉસ્પિટલમાં આગ લાગતાં ૧૦ માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જોકે આવો હૃદયદ્રાવક બનાવ મુંબઈમાં પણ બની શકે એવી શક્યતાને નકારી શકાય નહીં. મુંબઈમાં ૧૩૧૯ રજિસ્ટર્ડ હૉસ્પિટલ છે અને મોટા ભાગની હૉસ્પિટલમાં ફાયર એનઓસી ન હોવાનો દાવો આરટીઆઇ એક્ટિવિસ્ટે કર્યો છે.

આ વિશે માહિતી આપતાં આરટીઆઇ એક્ટિવિસ્ટ શકીલ અહમદ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમ-પૂર્વ ક્ષેત્રમાં લાઇસન્સ વગર ગેરકાયદે રીતે કુલ ૪૯ નર્સિંગ હોમ અને હૉસ્પિટલ ચાલી રહ્યાં છે. તેમ જ આખા મુંબઈમાં ૧૩૧૯થી વધુ નર્સિંગ હોમ અને હૉસ્પિટલ ચાલી રહ્યાં છે. આ હૉસ્પિટલમાં કોઈ પણ પ્રકારની લાઇફ સેવિંગ બેકઅપ નથી. આ નર્સિંગ હોમ અને હૉસ્પિટલમાં ઑપરેશનથી લઈને મહિલાઓની ડિલિવરી પણ કરાય છે. તેમ જ ૩૯ નર્સિંગ હોમ અને હૉસ્પિટલને લાઇસન્સ અપાયું છે. આ નર્સિંગ હોમ અને હૉસ્પિટલને ફાયર બ્રિગેડ અને બિલ્ડિંગ તેમ જ કારખાના વિભાગથી એનઓસી મળી નથી. હાલમાં જ મેં શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પત્ર લખ્યો છે અને એફઆઇઆર નોંધવાની માગણી કરી હતી. એટલું જ નહીં ઉપરોક્ત સંબંધમાં શિવાજીનગર પોલીસે એમ-પૂર્વના વૈદકીય અધિકારીને પત્ર લખીને એફઆઇઆર દાખલ કરવા માટે સ્ટેટમેન્ટ નોંધાવવા બોલાવ્યા છે પરંતુ અધિકારી પોલીસ સ્ટેશનમાં હાજર થયા નથી. સરકારે આ મામલે કડક વલણ અપનાવીને કાર્યવાહી કરવાની જરૂર છે. આવામાં કોઈ દુર્ઘટના બની તો એની જવાબદારી કોણ લેવાનું છે?’

મુંબઈમાં ૧૦ વર્ષમાં ૯૦,૦૦૦ આગ

મુંબઈમાં છેલ્લા આશરે ૧૦ વર્ષમાં લગભગ ૯૦,૦૦૦ની આસપાસ આગના બનાવ બન્યા છે. જેમાં ૧૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો તો ૪૦૦૦ લોકો જખમી થયા હતા.

mumbai mumbai news