લૉકડાઉનમાં વીઆઇપીઓને સર્વિસ આપતો બાર તોડી પડાયો

15 May, 2021 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા અઠવાડિયે કાયદાની ઐસીતૈસી કરીને માનસી બારમાં ડાન્સ ચાલતો હોવાથી પોલીસે કાર્યવાહી કરેલી : વર્ષોથી ચાલતા બારના બાંધકામની કોઈ જ મંજૂરી નહોતી લેવાઈ

મીરા રોડમાં પોલીસના બંદોબસ્ત વચ્ચે માનસી બારને મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગે ગઈ કાલે બપોરે તોડી પાડ્યો હતો.

મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં નૅશનલ હાઇવે પર આવેલા માનસી ઑર્કેસ્ટ્રા બારમાં ૮ મેની મોડી રાત્રે વીઆઇપી કસ્ટમરો માટે બારબાળાઓનો ડાન્સ ચાલતો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે અહીં કાર્યવાહી કરીને કેટલાક ગુજરાતીઓ સહિત ૧૯ આરોપીની ધરપકડ કરી હતી. હોટેલમાં ગેરકાયદે છૂપી રૂમો બનાવાઈ હોવાનું એ સમયે તપાસમાં જણાયું હતું. લૉકડાઉનના કાયદાનો ભંગ કરવાની સાથે એક્સાઇઝથી લઈને અનેક લાઇસન્સનો દુરુપયોગ કરવા બદલ ગઈ કાલે બપોરે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ટીમે આ હોટેલને તોડી પાડી હતી. 

મહાનગરપાલિકાની મંજૂરી વિના માનસી બારમાં છૂપી રૂમો બનાવાઈ હોવાની સાથે બારના માલિક કે સંચાલકો દ્વારા એક્સાઇઝ વિભાગની પરવાનગી ન મેળવવાની સાથે ગેરકાયદે બાંધકામમાં ફેરફાર કરાયા હોવાનું પોલીસની તપાસમાં જણાતાં કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હઝારેએ એક્સાઇઝ વિભાગની સાથે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગને માનસી બાર સામે કાર્યવાહી કરવાની માગણી કરતા પત્રો લખ્યા હતા.

સંજય હઝારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માનસી બારના માલિક અને સંચાલકોએ મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ કરવાની સાથે લૉકડાઉનની ગંભીર સ્થિતિમાં પણ વીઆઇપી કસ્ટમરો માટે બાર છૂપી રીતે ચાલુ રાખ્યો હોવાની અમારી ફરિયાદ મળ્યા બાદ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. બારને તોડી પાડવા માટે તાત્કાલિક નિર્ણય લઈને મહાનગરપાલિકાના તોડકામ વિભાગ દ્વારા ગઈ કાલે બપોરે ૧૧.૩૦થી ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન માનસી ઑર્કેસ્ટ્રા બાર ઍન્ડ રેસ્ટોરાંને સંપૂર્ણપણ તોડી પાડ્યું હતું. અમારા ઉચ્ચ પોલીસ અધિકારીઓના સહયોગથી અમે આ ગેરકાયદે પ્રવૃત્તિને કાયમ માટે બંધ કરાવી શક્યાનો મને આનંદ છે. બારના માલિક અને સંચાલકો સામે આઇપીસીની કલમ ૩૦૮, ૨૭૦, ૨૭૯ અને ૩૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હોવાથી પોલીસ દ્વારા હવે તેમની સામે કાર્યવાહી કરાશે.’

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (અતિક્રમણ વિભાગ) અજિત મુઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોંકાવનારી વાત એ છે કે ટાઉન પ્લાનિંગ પાસેથી મળેલી માહિતી મુજબ માનસી બાર ગેરકાયદે બંધાયેલો હતો. મૂળ કે બાદમાં કરાયેલા બાંધકામ માટે કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી લેવાઈ. આ ખૂબ જ ચોંકાવનારું છે. એ સિવાય લૉકડાઉનમાં કેટલાક કસ્ટમરો માટે બાર શરૂ કરવો એ અત્યંત ગંભીર બાબત છે. અમે પોલીસ અને બીજા વિભાગ પાસેથી મળેલી ફરિયાદને પગલે ગઈ કાલે બપોરે માનસી બારને સંપૂર્ણપણે ડિમોલિશ કર્યો હતો.’

mumbai mumbai news mira road brihanmumbai municipal corporation