27 August, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા અનામત અને કુણબી જાતિ સર્ટિફિકેટના મુદ્દે ફરી એક વાર મરાઠા નેતા મનોજ જરાંગેએ ઉપવાસ પર બેસવાનું એલાન કર્યું છે. આ વખતે તેમણે મુંબઈમાં આઝાદ મેદાનમાં ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યું હતું, પણ રાજ્ય સરકારે આંદોલન માટે એક જ દિવસની પરવાનગી આપતાં મનોજ જરાંગે ભડક્યા છે. વળી આઝાદ મેદાન સિવાય બીજે ક્યાં પણ આંદોલન નહીં કરી શકાય એવી શરતોને કારણે મનોજ જરાંગે નારાજ છે. તેમણે રાજ્ય સરકારને નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘અમે તમને ચૂંટીને સત્તા પર બેસાડ્યા છે. તમારા હાથમાં કાયદો આપ્યો છે. અમે તમને સત્તા આપી છે પણ તમે એનો દુરુપયોગ કરો છો. લોકો એટલા માટે તમને ચૂંટી કાઢે છે કે તેઓ ગમે અેવી પરિસ્થિતિમાં જ્યારે મુંબઈ આવે ત્યારે તેમને ખાતરી હોય કે આપણી સરકાર છે ત્યાં આપણા ફડણવીસ અને શિંદે દાદા ત્યાં બેઠા છે. આપણે જેમને આપણા ગણી સત્તા પર બેસાડ્યા એ જ આપણને કહી રહ્યા છે કે મુંબઈમાં ન આવો. આ તો સરકારની દાદાગીરી ગણાય. દાદાગીરી ચાલતી નથી હોતી. અમે કાયદાનું સન્માન કરીએ છીએ, અમે આંદોલન કરવા માટે રીતસરની અરજી આપી હતી. તમારે પરવાનગી આપવી હોય તો આપો, ન આપવી હોય તો ન આપો, અમે આંદોલન કરીશું જ, અમે મુંબઈમાં આવીશું જ.
રાત-દિવસ ત્યાં જ અડ્ડો જમાવશું. અહીં ન આવો, ત્યાં ન જાઓ એમ તમે કહો છો, તો શું મુંબઈ તમારી જાગીર છે? અમે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વર્ષા બંગલા પર પહોંચી જશું, જોઈએ અમને કોણ રોકે છે. અમારી સામે દાદાગીરી ચાલતી નથી હોતી. જો એવું થશે તો અમે આખા મુંબઈમાં આંદોલન કરીશું. જો તમે અમારો વિરોધ કર્યો તો રેલવે દોડવા નહીં દઈએ, વિમાનો ઊડવા નહીં દઈએ.’
રાજ્ય સરકારના ગૃહ ખાતાએ આઝાદ મેદાન સિવાય બીજે ક્યાય પણ આંદોલન કરવા પર, ધરણાં કરવા પર કે સભા લેવા પર બંધી મૂકી છે. આઝાદ મેદાન પર પણ એક જ દિવસ માટે અને એ પણ સવારના ૯ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી પરવાનગી અપાઈ છે. જો સાંજે ૬ વાગ્યા પછી મેદાનમાં રહેશો તો દંડ અને કાર્યવાહી થશે. વળી આંદોલન માટે મુંબઈમાં ટ્રેક્ટર, ટ્રૉલી, બળદગાડાં નહીં લાવી શકાય. વળી મોરચા, બેમુદત ધરણાં પર પણ બંધી મૂકી દેવાઈ છે.