10 September, 2026 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
અંતરવાલી સરાટીમાં મરાઠા અનામતની માગણી સાથે અનશન કરી રહેલા મરાઠાનેતા મનોજ જરાંગેએ ભૂખહડતાળના બારમા દિવસે પ્રધાનો વિરુદ્ધ ખૂબ નિવેદનો આપ્યાં હતાં અને તેમની ટીકા કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઉપરાંત પ્રતાપ સરનાઈક, શંભુરાજે દેસાઈ અને ઉદય સામંત સામે મનોજ જરાંગેએ ટીકાસ્ત્રો છોડ્યાં હતાં. ઉદય સામંત અને શંભુરાજે દેસાઈને તો શું એકનાથ શિંદે તમારા બાપ પણ લાગે છે એવી હલકી ભાષામાં મનોજ જરાંગેએ જવાબ આપ્યો હતો. એકનાથ શિંદેને પણ તેમણે એક જ ફટકામાં પતાવવાની ચીમકી આપી હતી.
મનોજ જરાંગેની સામે અમે પણ રસ્તા પર ઊતરીશું એવું કહેનારા પ્રતાપ સરનાઈકને જવાબ આપતાં જરાંગેએ કહ્યું હતું કે ‘પ્રતાપ સરનાઈક જ્યાં સત્તા હશે એ બાજુએ બેસી જનારા છે. હું તો મહાવિકાસ આઘાડી સત્તામાં હતી ત્યારે તેમની વિરુદ્ધ પણ બોલતો હતો. પ્રતાપ સરનાઈક જાણી લે કે જે રીતનું વર્તન થશે એ જ રીતે જવાબ આપવામાં આવશે. પ્રતાપ સરનાઈક માટે મુંબઈમાં ગુંડાઓ ભેગા કરવા સહેલા છે, પરંતુ ગોપીનાથ મુંડે અને આર.આર. પાટીલે અન્ડરવર્લ્ડ પતાવી નાખ્યું અને બાકી રહેલું અમે પતાવી નાખીશું.’
મનોજ જરાંગેને એકનાથ શિંદે વિરુદ્ધ મન ફાવે એવી ભાષાનો ઉપયોગ ન કરવાનું કહેનારા પ્રધાનો ઉદય સામંત અને શંભુરાજે દેસાઈને જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ‘તમે એકનાથ શિંદેના સમર્થક થઈ ગયા છો તો શું તમે તમારી જાતિને પણ ભૂલી જશો? શું એકનાથ શિંદે તમારા બાપ પણ બની ગયા છે?’ એકનાથ શિંદેને પણ ચેતવણી આપતાં મનોજ જરાંગેએ કહ્યું હતું કે એકનાથ શિંદેએ સમય રહેતાં સુધરી જવું જોઈએ, નહીંતર તેમને એક જ ફટકામાં પતાવી દેવાશે.