01 September, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા અનામતના મુદ્દે જાલનાના અંતરવાલી સરાટીમાં ૩ દિવસથી આમરણ ઉપવાસ કરી રહેલા અને ૧૨ સપ્ટેમ્બરથી મુંબઈમાં આંદોલન કરવાનો મનસૂબો ધરાવતા મનોજ જરાંગેએ શિવાજીની ગોરીલા હુમલો કરવાની ચાલ અનુસરવા કાર્યકરોને નિર્દેશ આપ્યો છે. તેમણે કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ‘મુંબઈમાં ૭-૮ તારીખથી જ પહોંચવાનું શરૂ કરો. સંબંધી- મિત્રોને ત્યાં રહો. આઝાદ મેદાનમાં જતા નહીં. પોલીસને ખબર ન પડવી જોઈએ કે મરાઠાઓ મુંબઈ આવી રહ્યા છે. હું પણ મુંબઈ પહોંચીશ. પછી ૧૨ સપ્ટેમ્બરે એકસાથે રસ્તા પર ઊતરીશું. આપણે મુંબઈ ગજવીશું.’
મનોજ જરાંગેએ કાર્યકરોનો ઉત્સાહ વધારવા કહ્યું હતું કે ‘હવે ઘરમાં ન બેસી રહેતા. આંદોલન ઉગ્ર બનશે એવી શક્યતા જણાશે તો પોલીસ પકડીને પોલીસ-સ્ટેશનમાં લઈ જશે તો પણ મરાઠાઓએ ગભરાવું નહીં. માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન પાછું નહીં ખેંચાય. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) એવું કહે છે કે તેમને ૫૮ લાખ નોંધ મળી નથી. મરાઠાઓને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફસાવ્યા અથવા તેમણે એવું કહેવું જોઈએ કે ૫૮ લાખ નોંધ મળી છે. જે ૪ રદ કરાયાં છે એ જાતિ પ્રમાણપત્રો શૈક્ષણિક છે. એ પ્રમાણપત્રો રદ કરવાં જેવાં નહોતાં. જો એ રદ જ ન થયાં હોય તો અમારે કોર્ટમાં જઈને એ માટે અપીલ શા માટે કરવી જોઈએ? સરકાર બધી જ માગણીઓનો સ્વીકાર કરશે તો ઉકેલ નીકળશે.’
આજે થનારી કૅબિનેટની મીટિંગમાં મરાઠા અનામતનો મુદ્દો ચર્ચાવાની શક્યતા
મરાઠા અનામતના મુદ્દે આજે કૅબિનેટની બેઠકમાં ચર્ચા થઈ શકે એ માટે સરકાર ઓપન છે. જોકે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અમે આ બાબતે જે બંધારણીય રીતે યોગ્ય હોય અને કાયદામાં પણ બંધબેસતી હશે એ ડિમાન્ડ માનવા તૈયાર છીએ. જોકે અમે સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરે એવી ડિમાન્ડ માનીશું નહીં.’
મારું મૃત્યુ થાય તો મૃતદેહને મુંબઈ લઈ જજો : મનોજ જરાંગે
મનોજ જરાંગેના ઉપવાસનો ગઈ કાલે ત્રીજો દિવસ હતો. ડૉક્ટરોની ટીમે તપાસતાં તેમની બ્લડ-શુગરનું લેવલ બરાબર નહોતું. ડૉક્ટરોએ તેમને સમજાવ્યા છતાં તેમણે ઇન્ટ્રાવિનસ (IV) ફ્લુઇડ લેવાની ના પાડી હતી. મનોજ જરાંગેએ કાર્યકરોને ભાવનાત્મક અપીલ પણ કરી હતી કે મારું મૃત્યુ ભૂખહડતાળ દરમ્યાન થાય તો મારા મૃતદેહને આંદોલન માટે મુંબઈ લઈ જજો.