31 October, 2026 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે પાટીલ
મરાઠા અનામત માટે લડત ચલાવતા મરાઠા નેતા મનોજ જરાંગેએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના ૫૦૦ કરોડ રૂપિયાની ઑડિયો-ક્લિપ પાછળનું સત્ય છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હોવાનો આરોપ મૂક્યો હતો તથા આ મામલાની તપાસ એક સિનિયર ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારી દ્વારા કરાવવામાં આવવી જોઈએ એવી માગણી કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતાં મનોજ જરાંગેએ કહ્યું હતું કે તેમણે જાહેર કરેલી ઑડિયો-ક્લિપ નકલી છે એવું સાબિત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
મને ચૂપ કરાવવા માટે અને મરાઠા અનામત માટેના આંદોલનને નબળું પાડવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે એમ જણાવીને મનોજ જરાંગેએ આરોપ મૂક્યો હતો કે ‘આ ઑડિયો-ક્લિપની તપાસ માટે ૩ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવવી જોઈએ. તેઓ સત્ય પચાવી નથી શકતા અને એટલા માટે મારી વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે સંકળાયેલા લોકો મારો પીછો કરીને મારી વિરુદ્ધ ષડયંત્ર ઘડી રહ્યા છે.’