સોસાયટીના છેડતીબાજ યુવકને પકડાવવા મહિલાઓનો પોલીસ-સ્ટેશન પર મોરચો

29 December, 2012 07:26 AM IST  | 

સોસાયટીના છેડતીબાજ યુવકને પકડાવવા મહિલાઓનો પોલીસ-સ્ટેશન પર મોરચો



ગોરાઈની એક હાઉસિંગ સોસાયટીમાં રહેતી ઘણી મહિલાઓની છેડતી કરવાના આરોપસર બોરીવલી પોલીસે ૩૨ વર્ષના મનજિત તિલક નામના યુવકની ગઈ કાલે સાંજે ધરપકડ કરી હતી. આરોપી વિરૂદ્ધ અગાઉ પણ આ મહિલાઓએ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ચાર વખત એનસી નોંધાવી હતી, પણ પોલીસે તેને ચેતવણી આપી છોડી દીધો હતો. આરોપી મનજિતને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે ૧૧ મહિલાઓ આરોપી મનજિત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા ગઈ હતી. આરોપી આ જ મહિલાઓની સોસાયટીમાં રહે છે અને છેલ્લા એક વર્ષથી તેમને હેરાન કરી રહ્યો હતો. આ ત્રાસનો ભોગ બનેલી એક મહિલાએ કહ્યું હતું કે ‘અમે રોડથી પસાર થઈએ છીએ ત્યારે મનજિત અમને અપશબ્દો કહે છે અને ઘણી વાર અમારા પર થૂંકે પણ છે. તે સોસાયટીનાં ઘણાં નાનાં બાળકોની પણ મારપીટ કરે છે. મહિલાઓની છેડતી કરે છે અને અમે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે અમને રોકી પણ દે છે.’

એક અન્ય મહિલાએ કહ્યું હતું કે ‘અમે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં મનજિત વિરૂદ્ધ ઘણી ફરિયાદો કરી હતી, પણ તેને દરેક વખતે ચેતવણી આપીને છોડી દેવામાં આવતો હતો એટલે અમે પોલીસ પાસે તેની ધરપકડ કરાવી સજા અપાવવાની માગણી કરી છે. અમને છેલ્લા એક વર્ષથી તે હેરાન કરી રહ્યો હોવાથી અમને હવે ડર લાગે છે. મનજિત પહેલાં કૉલ-સેન્ટરમાં કામ કરતો હતો, પણ હવે પોતાને બિઝનેસમૅન કહે છે.’

અન્ય એક મહિલાએ કહ્યું હતું કે ભલે મનજિતની ધરપકડ થઈ હોય, પણ અમને ડર છે કે તે જામીન પર છૂટી જશે તો બદલો લેશે.

બોરીવલી પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ઉમેશ સાંવતે કહ્યું હતું કે ‘આરોપી મનજિતની અમે ધરપકડ કરી છે અને આજે તેને બોરીવલી કોર્ટમાં રજૂ કરીશું. તે બિઝનેસમૅન છે કે નહીં એ સંદર્ભમાં અમે તપાસ કરી રહ્યા છીએ.’

વસઈમાં પ્રેમિકા પર રેપ કરીને તેની હત્યા કરનારા યુવકની ધરપકડ

વસઈમાં ૧૮ વર્ષની એક યુવતી પર તેના જ મિત્રે બળાત્કાર કરીને તેની હત્યા કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે ૨૬ વર્ષના પંકજ રાય નામના આરોપીની ગુરુવારે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘વસઈમાં વાલિવ ગામમાં નાઈકપાડા વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષની તનુજા શિગોળનો મૃતદેહ મંગળવારે તેના ઘરમાંથી મળી આવ્યો હતો. જે. જે. હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવતાં તનુજા પર બળાત્કાર કરીને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસ દરમ્યાન વિરારમાં રહેતા પંકજ રાય સાથે તનુજાના પ્રેમસંબંધ હોવાની જાણ થતાં અમે પંકજની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમ્યાન પંકજે કબૂલાત કરી હતી કે તનુજાએ શારીરિક સંબધ બાંધવાનો ઇનકાર કરતાં તેણે તેના પર બળાત્કાર કર્યો હતો અને ત્યાર બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.’

જાતીય સતામણીના કેસનો નિકાલ એક વર્ષની અંદર લાવવામાં આવશે

રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓને અંકુશમાં લેવા નવી નીતિઓ વિચારવામાં આવી છે. એમાં જાતીય સતામણીને લગતા કેસનો ચુકાદો એક વર્ષ અથવા તો ૧૮ મહિનાની અંદર લાવવાનો પ્રસ્તાવ છે. દોષીઓને વહેલી તકે સજા આપવામાં આવે તો આવા ગુનાના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. વધુ ફાસ્ટ ટ્રૅક ર્કોટ શરૂ કરવા માટે બૉમ્બે હાઈ ર્કોટના ચીફ જસ્ટિસને વિનંતી કરવામાં આવી છે. આવા કેસોની સંખ્યા નહીંવત્ થતાં એક વર્ષના સમયને ઘટાડીને છ મહિના કરવાની પણ સરકારની યોજના છે.

એનસી = નૉન-કૉગ્નિઝેબલ