માંજાના આતંકને લીધે ૩ લોકોનાં ગળાં અને ચહેરા ચિરાયાં

15 January, 2026 08:04 AM IST  |  Mumbai | Shirish Vaktania, Samiullah Khan

સદ્નસીબે માંજાના ઘા જીવલેણ ન બન્યા : એક વ્યક્તિનું ગળું ઊંડે સુધી કપાયું, બીજી વ્યક્તિનાં નાક-આંખ પર ચીરા પડ્યા, ત્રીજી વ્યક્તિના ગળા ફરતે વીંટળાઈ ગયો માંજો

ગળામાં માંજાને લીધે પડેલા જખમનાં નિશાન બતાવી રહેલો જયશંકર પાંડે.

બુધવારે ઉતરાણનો તહેવાર બોરીવલીના રહેવાસી ભરત કદમ માટે દર્દનાક સાબિત થયો હતો. બોરીવલીથી સાંતાક્રુઝ સ્કૂટર પર જઈ રહેલા ૪૫ વર્ષના ભરત કદમને અંધેરી ફ્લાયઓવર પરથી પસાર થતી વખતે માંજો ગળામાં વીંટળાઈ ગયો હતો. માંજાને લીધે તેનું ગળું ગંભીર રીતે છોલાઈ ગયું હોવાથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

કાંદિવલીના રહેવાસી રાજેશ પારકર ક્રિકેટકોચ છે. ૩૫ વર્ષનો રાજેશ પારકર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના બિસલેરી ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ચહેરાને માંજાએ ચીરી નાખ્યો હતો.

મલાડ-ઈસ્ટનો રહેવાસી ૪૨ વર્ષનો જયશંકર પાંડે પણ માંજાને લીધે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેનું ગળું પણ માંજાને લીધે કપાઈ ગયું હતું.

ચાર દિવસમાં પચાસથી વધુ પક્ષીઓ ઘાયલ

ઉતરાણના દિવસે જખમી પક્ષીઓની સેવા માટે કાર્યરત રહેલી મુંબઈની જુદી-જુદી સંસ્થાઓ અને પક્ષીપ્રેમીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે શહેરમાં છેલ્લા ૪ દિવસમાં પચાસથી વધુ પક્ષીઓ માંજાને કારણે જખમી થયાં હતાં. જીવદયાપ્રેમીઓએ એવો પણ આરોપ મૂક્યો હતો કે પ્રતિબંધ હોવા છતાં ઠેર-ઠેર ચાઇનીઝ અને નાઇલૉનના માંજા જોવા મળ્યા હતા. ઓછામાં ઓછાં ૨૧ પક્ષીઓ આવા ખતરનાક માંજાને લીધે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયાં હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai news mumbai makar sankranti uttaran mumbai police Crime News