ગુજરાતી ગૃહિણીએ દહેજને કારણે દીકરી સાથે આત્મહત્યા કરી?

28 October, 2012 04:39 AM IST  | 

ગુજરાતી ગૃહિણીએ દહેજને કારણે દીકરી સાથે આત્મહત્યા કરી?



કાંદિવલી (વેસ્ટ)માં રહેતી ૨૮ વર્ષની ગુજરાતી ગૃહિણી કૃતિકા પટેલની આત્મહત્યાના કેસમાં પોલીસે સાસરિયાંઓ સામે દહેજ માગવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે ગઈ કાલ સુધી તેનાં સાસરિયાંમાંથી કોઈની ધરપકડ કરવામાં નહોતી આવી. પોલીસે કહ્યું હતું કે ‘કૃતિકાના પતિ અને તેનાં સાસુ-સસરાની ધરપકડ કરવામાં આવશે. હાલમાં પોલીસ તેમને શોધી રહી છે. ગયા સોમવારે બપોરે કૃતિકાએ આત્મહત્યા કરતાં પહેલાં તેની અઢી વર્ષની પુત્રી જેનીને ૧૮મા માળેથી ફેંકી દીધી હતી અને પછી પોતે પણ ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.’

કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હરેશ્વર પિંપળેએ કહ્યું હતું કે ‘કાંદિવલી (વેસ્ટ)ની શંકર લેનમાં આવેલા કે. કે. બિલ્ડિંગમાં રહેતી કૃતિકાના ઘરે ગઈ કાલે અમે ગયા હતા. એ વખતે તેના ઘરે તાળું હતું અને હાલમાં તેઓ ક્યાં છે એની અમને જાણ નથી. અમે કૃતિકાનાં સાસુ-સસરા અને પતિની શોધ કરી રહ્યા છીએ. અમને લાગે છે કે તેઓ કોઈક રિલેટિવના ઘરે રહેવા ગયાં હશે. હાલમાં અમે કૃતિકાના પિતાના સ્ટેટમેન્ટને આધારે તેના પતિ કૌશલ અને સાસરિયાંનાં રામાબહેન, ગોપાલભાઈ અને તન્વી વિરુ¢ ગુનો નોંધ્યો છે. અમે તેમની ધરપકડ કરીશું.’

કૃતિકાના પિતાએ આરોપ કરતાં પોલીસને કહ્યું હતું કે ‘કાંદિવલી (વેસ્ટ)ના રૂપનગર સોસાયટીના ઘરના રિનોવેશન માટે કૃતિકા પાસે સાસરિયાંઓએ ૮થી ૧૦ લાખ રૂપિયા જમા કરી આપવા કહ્યું હતું. કૃતિકાએ બાળકીને જન્મ આપ્યો ત્યારથી તેઓ સતત સતાવી રહ્યાં હતાં એથી તેણે સુસાઇડ કર્યું હતું.’

સુસાઇડ-નોટમાં શું લખ્યું હતું?

કૃતિકાએ સુસાઇડ-નોટમાં લખ્યું હતું કે ‘હું મારું જીવન ટૂંકાવી રહી છું. હું મારાં સાસરિયાંઓને ખુશ નથી રાખી શકતી એથી હું આત્મહત્યા કરી રહી છું. મારા મૃત્યુ માટે તેઓ જવાબદાર નથી. લગ્ન વખતે હું મારા ઘરેથી દાગીના લાવી હતી એ મારા પિતાને આપી દેજો અને મારાં સાસરિયાં તરફથી મને આપવામાં આવેલા દાગીના મારાં સાસરિયાંઓને આપી દેજો. મારી દીકરીને પણ મારી જેમ ત્રાસ સહન કરવો ન પડે એ માટે તેની સાથે હું આત્મહત્યા કરી રહી છું.’