મૅનેજર જમવાનું બરાબર આપતો ન હોવાથી કરી હત્યા

07 June, 2020 02:10 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

મૅનેજર જમવાનું બરાબર આપતો ન હોવાથી કરી હત્યા

પ્રતીકાત્મક તસવીર

મીરા રોડના શીતલનગરમાં આવેલા શબરી બાર ઍન્ડ રેસ્ટોરાંમાં ડબલ મર્ડરનો મામલો ઉકેલાઈ ગયો છે. પોલીસે એ હોટેલમાં કામ કરતા એક વેઇટરની પુણેથી ધરપકડ કરી હતી. હોટેલનો મૅનેજર જમવાનું બરાબર આપતો ન હોવાથી નશામાં તેની હત્યા કરી હોવાનું આરોપી વેઇટરે કબૂલ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીએ કિચનમાં કામ કરતા સાથીકર્મચારીએ મારઝૂડ કરી હોવાથી તેને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે હતું જણાવ્યું કે ‘મીરા રોડમાં આવેલી શબરી બાર ઍન્ડ રેસ્ટોરાંની અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી ગુરુવારે રાતે હોટેલના મૅનેજર હરીશ શેટ્ટી અને કિચનના કર્મચારી નરેશ પંડિતના મૃતદેહ મળી આવ્યા હતા. ડબલ મર્ડરના આ મામલાની તપાસ દરમ્યાન હોટેલના ૩૫ વર્ષના વેઇટર કલ્લુ રાજુ યાદવ પર શંકા હતી. મોબાઇલ ટ્રૅક કરીને આરોપી પુણેમાં હોવાનું જણાયા બાદ મીરા રોડ પોલીસની ટીમે તેની પુણે જઈને ધરપકડ કરી હતી.
થાણે ગ્રામીણ પોલીસના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. શિવાજી રાઠોડે પત્રકારોને જણાવ્યું હતું કે ‘મૃતક હોટેલનો મૅનેજર હરીશ શેટ્ટી લૉકડાઉનમાં જમવામાં માત્ર દાળ-ભાત જ આપતો હતો, જ્યારે પોતે કાયમ બહારથી સારું-સારું ખાવાનું મગાવતો હતો. આ મામલે આરોપી કલ્લુ યાદવનો મૅનેજર સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ મારામારી પણ થયેલી. મૃતક નરેશ પંડિતે પણ આરોપીને માર માર્યો હતો. ૩૦ મેએ રાતે બધાએ દારૂ પીધો હતો અને રાતે બધા સૂઈ ગયા હતા. બદલો લેવાનું નક્કી કરી ચૂકેલો આરોપી વહેલી સવારે જાગી ગયો હતો અને તેણે બન્નેનાં માથાં અને શરીર પર માટી ખોદવા માટે વપરાતો પાવડો ફટકારીને તેમની હત્યા કરી મૃતદેહ પાણીની ટાંકીમાં નાખી દીધા હતા.’
મીરા રોડના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંદીપ કદમે જણાવ્યું કે ‘આરોપી કલ્લુ યાદવની તપાસ કરતાં તે કલકત્તાનો રહેવાસી છે, જ્યાં બે વૉચમૅનની હત્યા કરી હોવાથી તે જેલમાં ગયો હોવાનં જણાયું હતું. પુણેમાં પણ તેની સામે બે કેસ છે. જમવા જેવા ક્ષુલ્લક કારણસર આ ડબલ મર્ડર થયાં છે. હોટેલમાલિકે આરોપીને કામ પર રાખતાં પહેલાં તેની ચકાસણી નહોતી કરી અને પોલીસને તેની માહિતી પણ નહોતી.’

Crime News mumbai mumbai news