બે દિવસ ફક્ત પાણી પર રહીને બે પાનાંની સુસાઇડ-નોટ લખી

01 February, 2023 07:54 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડના ચિરાગ વેરૈયાએ આત્મહત્યા કરતાં પહેલાં પરિવાર અને મિત્રોને મિસ કરતો મેસેજ મૂક્યો અને તેની સામે થયેલા કેસને કારણે કંટાળી ગયો હોવાનું પણ લખ્યું

ચિરાગ વેરૈયા

મુંબઈ : મુલુંડમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે બે દિવસ માત્ર પાણી પર ઉપવાસ રાખીને સોમવારે વહેલી સવારે બે પાનાંની સુસાઇડ-નોટ લખી આત્મહત્યા કરી હતી. ધાર્મિક અને સેવાના કાર્યમાં આગળ રહેનાર ચિરાગ વેરૈયાની આપઘાતની માહિતી મળતાં મુલુંડના જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગઈ કાલે સવારે તેમના ભાઈના ઘરેથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કેટલાક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા જોડાયા હતા.

મુલુંડ-વેસ્ટના તાંબેનગર વિસ્તારમાં સિલ્વર હાઇટ સોસાયટીમાં રહેતા અને મુલુંડ સ્ટેશન નજીક અરિહંત શૉપિંગ સેન્ટરમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ફર્મ ધરાવતા ૪૩ વર્ષના ચિરાગ વેરૈયાએ સર્વોદયનગર વિસ્તારમાં નવો ફ્લૅટ ખરીદ કર્યો હતો. જોકે ત્યાં ઇન્ટીરિયરનું કામ ચાલુ હોવાથી છેલ્લા ચાર મહિનાથી તેઓ પત્ની અલકા, ૧૨ વર્ષની પુત્રી અને ૧૫ વર્ષના પુત્ર સાથે રહેતા હતા. શુક્રવારે સવારે તેમના એક અંગત મિત્રની કાર અને તેના ડ્રાઇવરને લઈને તેઓ ઇગતપુરીમાં હોટેલ વિવાંતના એક બંગલામાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે સોમવારે આત્મહત્યા કરી હતી એની જાણ હોટેલ વિવાંતના મૅનેજર આનંદ શિંદેએ ઇગતપુરી પોલીસ સ્ટેશનને કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને પંચનામું કર્યું ત્યારે ચિરાગે લખેલી બે પાનાંની સુસાઇડ-નોટ પણ મળી આવી હતી. એમાં તેણે પરિવાર અને મિત્રોને મિસ કરતા હોવાનું લખ્યું હતું. એની સાથે ભાંડુપમાં તેમના પર નોંધાયેલો ગુનો ખોટો હોવાની માહિતી આપી હતી. એ ગુનાને કારણે પરેશાનીઓ ભોગવવી પડતી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ઇગતપુરી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર રામદાસ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે ૧૨ વાગ્યે ચિરાગ તેના મિત્રની કારમાં મુંબઈથી ઇગતપુરી આવ્યો હતો અને તેણે ડ્રાઇવરને બે દિવસ બંધ રૂમમાં પૂજા કરવી હોવાનું કહીને ડિસ્ટર્બ ન કરવા કહ્યું હતું. તેણે ડ્રાઇવરને સોમવારે સવારે આવવા કહ્યું હતું. બે દિવસમાં તેણે હોટેલના સ્ટાફનો માત્ર પાણી લેવા માટે સંપર્ક કર્યો હતો. સોમવારે સવારે નવ વાગ્યે ડ્રાઇવર તેમને લેવા આવ્યો ત્યારે તેણે દરવાજો ખોલ્યો નહોતો એટલે ડ્રાઇવરે મૅનેજરને જાણ કરી હતી. સ્ટાફની મદદથી દરવાજો તોડીને અંદર પ્રવેશતાં જોયું તો બેડરૂમમાં ચિરાગે ફાંસી લગાવી લીધી હતી. તેની પાસેથી લૉન્ગ બુકનાં બે પાનાં પર સુસાઇડ-નોટ લખેલી મળી આવી હતી. આ સુસાઇડ-નોટ ઇંગ્લિશમાં લખી છે જેમાં તેણે તમામને મિસ કરતો મેસેજ લખ્યો હતો. એની સાથે તેના પર ભાંડુપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખોટા ગુનાને કારણે મોટી મુસીબત ભોગવવી પડી હતી એનો ઉલ્લેખ કર્યો હતો.’

પોલીસ ઇન્સ્પેક્ટર રામદાસ જાધવને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે હવે કોના પર કાર્યવાહી કરશો? ત્યારે તેમણે કહ્યું હતું કે આ કેસમાં અમે પહેલેથી બધાનાં સ્ટેટમેન્ટ નોંધવાના છીએ અને એમાં શું સામે આવે છે એના પર ફરિયાદ નોંધવામાં આવશે.

ચિરાગભાઈના કાકા રમણીક વેરૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચિરાગ બહુ જ ધાર્મિક હતો. તેના પર કોઈ મહિલા દ્વારા ખોટા આક્ષેપો કરીને ફરિયાદ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આક્ષેપ કરનાર મહિલાએ ચિરાગને બદનામ કરવાના ઇરાદાથી પોતાના વૉટ્સઍપ અને ફેસબુક પર ચિરાગના ફોટો નાખ્યા હતા અને ખોટું લખ્યું હતું. આ બધાને કારણે તેણે કંટાળીને આવું પગલું ભર્યું હોય એવું અમને લાગી રહ્યું છે. બે દિવસ ઉપવાસ કરીને પછી આત્મહત્યાનું પગલું ભરવું એ પાછળ અમને એમ લાગી રહ્યું છે કે તેણે એમ વિચાર્યું હશે કે તેને આથી મોક્ષ પ્રાપ્ત થશે.’

mumbai mumbai news mulund mehul jethva