બાળ ઠાકરેની ધરપકડ કરાવનારી વ્યક્તિ કરી રહી છે તેમની સુખાકારી માટેની પ્રાર્થના

17 November, 2012 06:29 AM IST  | 

બાળ ઠાકરેની ધરપકડ કરાવનારી વ્યક્તિ કરી રહી છે તેમની સુખાકારી માટેની પ્રાર્થના


૨૦૦૭માં મંગલેશ્વર ત્રિપાઠી ઉર્ફે મુન્ના ત્રિપાઠીએ ‘સામના’માં છપાયેલા એક તંત્રીલેખને કારણે બાળ ઠાકરે વિરુદ્ધ પોલીસફરિયાદ કરી હતી જેને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ જોકે પ્રતીકાત્મક હોવા છતાં તેમની પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ લેનાર વ્યક્તિ તરીકે મંગલેશ્વર ત્રિપાઠીને ભારે પબ્લિસિટી મળી હતી. જોકે આ સ્થિતિમાં પણ મંગલેશ્વર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે બુધવારે જ્યારે બાળ ઠાકરેની વણસતી તબિયતના સમાચાર જાહેર થયા ત્યારે તે તરત બાંદરા (ઈસ્ટ)માં આવેલા માતોશ્રી બંગલામાં પહોંચી ગયા હતા અને મોડી રાત સુધી ત્યાં રોકાયા હતા.     

પોતાનો મુદ્દો વ્યક્ત કરતાં મંગલેશ્વર ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘મેં અંધેરી ર્કોટમાં કેસ રજિસ્ટર્ડ કરાવ્યો હતો. મને આજે પણ યાદ છે કે આ કેસનો નંબર ૬૭/૦૬ હતો. આ મામલામાં બાળ ઠાકરેની ધરપકડ થઈ હતી અને તરત જ તેમના જામીન પણ થઈ ગયા હતા. આ મામલામાં ર્કોટે મને બાળ ઠાકરે પાસેથી દંડપેટે પાંચસો રૂપિયા અપાવ્યા હતા. મેં આજે પણ આ પાંચસો રૂપિયાની નોટ સાચવી રાખી છે જે હંમેશાં મારી સાથે જ રહેશે.’

મંગલેશ્વર ત્રિપાઠી ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રેસિડન્ટ છે અને ઉત્તર પ્રદેશ કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી છે.