પતિએ મારેલા લાફાનો બદલો લેવા મહિલાને સળગાવવાનો પ્રયાસ

12 December, 2012 06:15 AM IST  | 

પતિએ મારેલા લાફાનો બદલો લેવા મહિલાને સળગાવવાનો પ્રયાસ



શિવા દેવનાથ

મુંબઈ, તા. ૧૨

કાંદિવલી (ઈસ્ટ)માં આવેલા વાદરપાડા વિસ્તારની શશિકાંત ચાલમાં ગઈ કાલે પોતાની પત્ની સાથે ચોરીછૂપી વાતો કરનારા ૨૯ વર્ષના સચિન શિગવાન નામના યુવકને તેના પતિએ માર માર્યો હતો, જેનો બદલો લેવા માટે આરોપી યુવકે પણ તેની પત્નીના ચહેરાને કેમિકલ સ્પ્રે નાખીને બાળવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના બદલાનો ભોગ યુવતીની ફ્રેન્ડ પણ બની હતી. શશિકાંત લાંડગે નામના રિક્ષા-ડ્રાઇવરની પત્ની તથા ત્રણ વર્ષના બાળકની માતા ૨૩ વર્ષની શ્રદ્ધા લાંડગે પોતાના પાડોશી તથા મિત્રના ઘરે ટીવી જોતી હતી ત્યારે સવારે સાડાનવ વાગ્યે આરોપીએ તેના ચહેરા પર મચ્છર મારવાની દવાનું સ્પ્રે નાખી તેને સળગાવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા તથા સચિન લાંબા સમયથી પાડોશી હતાં. સચિનની પત્ની તથા દીકરાના અવસાન પછી સચિન શ્રદ્ધા સાથે લગ્ન કરવા માગતો હતો. તે છેલ્લા એક વર્ષથી પતિ-પત્ની વચ્ચે ખટરાગ પેદા કરવાનો પ્રયાસ કરતો હતો. ચાર મહિના પહેલાં શ્રદ્ધાના પતિને આ વાતની ખબર પડી ગઈ હતી ત્યારે સચિને શ્રદ્ધાના પતિ સમક્ષ પોતે શ્રદ્ધાને પ્રેમ કરે છે એવી કબૂલાત પણ કરી હતી. ૯ ડિસેમ્બરે શ્રદ્ધાના પતિએ જાહેરમાં સચિનને માર્યો પણ હતો. સમતાનગર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર એલ. જી. શિંદેએ કહ્યું હતું કે ‘શ્રદ્ધાના પતિએ માર માર્યો હતો એને કારણે સચિનનું મોઢું સૂજી ગયું હતું. પરિણામે તેની પત્નીનું મોઢું પણ ખરાબ કરવાના ઇરાદાથી તે ત્યાં ગયો હતો.’

શ્રદ્ધાએ આ બાબતે કહ્યું હતું કે ‘હું મારી પાડોશી મીનલના ઘરે ટીવી જોતી હતી ત્યારે મારી સાથે બીજી એક પાડોશી શબાના શેખ પણ હતી. ૧૫ મિનિટ પછી સચિન આવ્યો ત્યારે શબાના ડરને કારણે ત્યાંથી ભાગી ગઈ હતી. રૂમનો દરવાજો અંદરથી બંધ કરી તે મારા પર બરાડ્યો કે તારા પતિએ મારો ચહેરો બગાડ્યો એટલે હું તારો ચહેરો બગાડીશ. સચિને મારા પર મચ્છર મારવાની દવાનો છંટકાવ કર્યો તેમ જ લાઇટરની મદદથી ભડકો કરવાનો પ્રયાસ કર્યો. હું મારી જાતને બચાવવા માટે મીનલની પાછળ સંતાઈ ગઈ. સચિને સ્પ્રે કરવાનું ચાલુ રાખતાં મારા વાળ, પીઠ તથા ગળાનો ભાગ દાઝી ગયા હતા. સમગ્ર બનાવમાં મને બચાવવા જનારી મીનલનો હાથ તથા ચહેરો પર પણ દાઝી ગયા હતા. પછી અમે સાથે મળીને સચિનને ધક્કો મારી ત્યાંથી ભાગવામાં સફળ થયાં હતાં.’

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આરોપી સચિન જાતે જ સમતાનગર પોલીસ-સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો, જ્યારે પોલીસે તેને ઘર નજીકથી પકડ્યો હોવાનો દાવો કર્યો હતો. પોલીસે સચિનની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. પોલીસ આ ગુના પાછળનું ખરું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.