દમ તોડ્યો દલીલને લીધે

06 January, 2021 12:02 PM IST  |  Mumbai | Samiullah Khan

દમ તોડ્યો દલીલને લીધે

આરોપી રાહુલ યાદવ

મલાડ લિન્ક રોડ પર આવેલા ઇન્ફિનિટી મૉલની પાછળ સોમવારે રાતે સાડાનવ વાગ્યે ૨૬ વર્ષના રાહુલ યાદવે તેની પ્રેમિકા નિધિ મિશ્રા પર ગોળી ચલાવીને પહેલાં તેની હત્યા કરી અને ત્યાર બાદ પોતે પણ એ જ ગનથી ફાયર કરીને આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિક રહેવાસીઓએ આ બાબતે પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરતાં થોડી વારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બન્નેને લોહી નીંગળતી હાલતમાં શતાબ્દી હૉસ્પિટલ લઈ ગઈ હતી, પણ ડૉક્ટરે તપાસીને તેમને મૃત જાહેર કર્યાં હતાં. ફાયરિંગમાં બે જણનાં મોત થયાં હોવાની બાતમી મળતાં જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (લૉ ઍન્ડ ઑર્ડર) વિશ્વાસ નાંગરે પાટીલ અને ઍડિશનલ સીપી દિલીપ સાવંત સહિત અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું કે રાહુલ કાંદિવલી લાલજીપાડાનો રહેવાસી હતો, જ્યારે નિધિ મલાડ રહેતી હતી. બન્ને વચ્ચે છેલ્લાં પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો, પણ નિધિનાં લગ્ન અન્ય યુવક સાથે પરિવારે નક્કી કર્યાં અને ૩૦ નવેમ્બરે તેની સગાઈ થઈ હતી અને ૨૧ મે લગ્નની તારીખ નક્કી થઈ જતાં રાહુલ ધૂંધવાયેલો હતો.

મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રાહુલ ગુનાહિત બૅકગ્રાઉન્ડ ધરાવતો હતો. તેની સામે  ૯ કેસ હતા, જેમાં હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુના પણ સમાવેશ થાય છે. તે ત્રણ મહિના જેલમાં જઈ આવ્યો હતો. લૉકડાઉનના ગાળામાં તે જામીન પર બહાર આવ્યો હતો. ૩ જાન્યુઆરીએ તે ઉત્તર પ્રદેશથી ફરી મુંબઈ આવ્યો હતો.

નિધિ મલાડની એક કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટમાં જૉબ કરતી હતી. રાહુલ તેને ઘણી વાર પિકઅપ કરતો હતો. જોકે તેની કલિગ્સને નિધિએ કહ્યું હતું કે તે મારો ભાઈ છે.

સોમવારે રાહુલ અને નિધિ મળ્યાં હતાં. તેઓ ઇન્ફિનિટી મૉલની પાછળના રસ્તા પર હૅન્ગાઉટ કરતાં હતાં. રાહુલ વડાપાંઉ લઈને આવ્યો હતો. તેમની વચ્ચે પહેલાં વાતચીત થઈ હતી અને ત્યાર બાદ દલીલ શરૂ થઈ હતી અને અચાનક રાહુલે ગન કાઢીને નિધિ પર ફાયર કરી દીધું હતું અને ત્યાર બાદ પોતાના પર ફાયર કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. બાંગુરનગર પોલીસે બન્નેના એડીઆર લઈને કેસ નોંધ્યો હતો.

mumbai mumbai news Crime News mumbai crime news malad samiullah khan