ટાર્ગેટ નં. ૩ હતી પ્રેમી જૈનની વાઇફ

08 December, 2022 07:48 AM IST  |  Mumbai | Shirish Vaktania

સાંતાક્રુઝમાં કમલકાંત શાહનું ઝેર આપીને મર્ડર કરવાના કેસના આરોપી હિતેશ જૈને તો પ્રેમિકા કાજલ સાથે મળીને પોતાની પત્નીની પણ હત્યા કરવાની યોજના ઘડી હતી

આરોપી હિતેશ જૈન અને આરોપી કાજલ શાહ

મુંબઈ : કાજલ શાહ અને હિતેશ જૈને હિતેશની પત્નીને મારવાની પણ યોજના ઘડી હોવાની પોલીસને શંકા છે. આ બન્નેની સાંતાક્રુઝના વેપારી કમલકાંત શાહ અને તેમનાં મમ્મી સરલાદેવી શાહની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘બંને આરોપીઓ પોતપોતાના જીવનસાથીથી છુટકારો મેળવવા માગતા હતા અને લગ્ન કરીને કમલકાંતની મિલકત હડપવા માગતા હતા. તેમણે કથિત રીતે દિલ્હી મર્ડરનો અભ્યાસ કર્યો હતો, જેમાં આર્સેનિક અને થેલિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.’

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને બન્ને આરોપીઓની તપાસ અને પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે તેમની વચ્ચે આઠ વર્ષ પહેલાં પ્રણય પાંગર્યો હતો અને તેઓ પહેલી વાર હિતેશ જૈનના બાળપણના મિત્ર કમલકાંત થકી મળ્યા હતા.

કાજલ અને હિતેશ લગ્ન કરવા માગતાં હતાં અને છેલ્લાં બે વર્ષથી એ માટે પ્રયાસ પણ કરી રહ્યાં હતાં. જોકે કાજલના પરિવારે ઘણી વખત દરમ્યાનગીરી કરી હતી. એને લીધે લગભગ સાત મહિના પહેલાં તેમણે કમલકાંતની હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે દિલ્હીમાં આર્સેનિક અને થેલિયમની મદદથી એક વ્યક્તિની કરાયેલી હત્યાનો અભ્યાસ પણ કર્યો હતો. કમલકાંત પછી તે બન્ને હિતેશ જૈનની પત્નીની હત્યા કરવાની યોજના ઘડી રહ્યા હોવાની અમને શંકા છે એમ ક્રાઇમ બ્રાન્ચે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘બન્ને આરોપીના રડાર પર માત્ર બે જ લોકો હતા : કમલકાંત શાહ અને હિતેશ જૈનની પત્ની. એનું કારણ એ કે બન્નેએ લગ્ન કરતાં પહેલાં તેમનાથી છુટકારો મેળવવો જરૂરી હતો. આ બન્નેને કમલકાંતે પણ અનેક પ્રસંગોએ પકડ્યા હોવાનું પણ અમને જાણવા મળ્યું છે.’

સપ્ટેમ્બરની ૧૯ તારીખે કમલકાંતના મૃત્યુ પછી તેમના ડૉક્ટરની સતર્કતાને કારણે આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. ડૉક્ટરે હૉસ્પિટલમાં એક મહિના કરતાં વધુ સમયના રોકાણ દરમ્યાન તેમના વાળ, મૂછ અને દાઢી ન વધવાની નોંધ લઈને તેમની હેવી મેટલ બ્લડ ટેસ્ટ કરાવી હતી, જેમાં તેમને આર્સેનિક અને થેલિયમનું ધીમું ઝેર આપવામાં આવતું હોવાનું જાહેર થયું હતું.

પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરતાં કમલકાંતનાં મમ્મી સરલાદેવીના ૧૩ ઑગસ્ટે થયેલા મૃત્યુમાં પણ આ જ લક્ષણો નોંધાયાં હોવાનું તથા તેમનામાં પણ કમલકાંત જેવાં જ - પેટનો દુખાવો, ઊલટી - લક્ષણો જોવાયાં હતાં તથા તેમનું મૃત્યુ પણ મલ્ટિ-ઑર્ગન ફેલ્યરને કારણે થયું હોવાનું જાહેર થયું હતું. ક્રાઇમ બ્રાન્ચે સરલાદેવીનું જ્યાં મૃત્યુ થયું હતું તે કોકિલાબેન હૉસ્પિટલને પત્ર લખીને તેમની મેડિકલ હિસ્ટરી મગાવી હતી તથા જો તેમનું બ્લડ ટેસ્ટ કરાયું હોય તો તેમને પણ ઝેર આપવામાં આવ્યું હતું કે કેમ એની ખાતરી કરવા જણાવાયું હતું.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝેર કેટલું જીવલેણ પુરવાર થાય છે એ જોવા માટે બન્ને આરોપીઓએ સૌપ્રથમ સરલાદેવીને ધીમું ઝેર આપવાની શરૂઆત કરી હતી અને કેમિકલની અસરકારકતા પુરવાર થયા બાદ તેમણે કમલકાંતને ધીમું ઝેર આપવાની શરૂઆત કરી હતી.

આરોપી કાજલ શાહ પોલીસને સહકાર નથી આપી રહી. પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના દબાણથી બચવા તેણે સ્કિન ઇન્ફેક્શનની મેડિકલ હિસ્ટરી આગળ ધરી છે. જોકે પોલીસ તેમને આર્સેનિક અને થેલિયમ ઉપલબ્ધ કરાવી આપનારની શોધ કરી રહી છે એમ આ અધિકારીએ જણાવ્યું હતું. 

mumbai mumbai news santacruz