શાકભાજીવાળા બનીને પોલીસે શસ્ત્રો સાથે ગુંડાને પકડી પાડ્યો

13 December, 2011 09:46 AM IST  | 

શાકભાજીવાળા બનીને પોલીસે શસ્ત્રો સાથે ગુંડાને પકડી પાડ્યો

 

 

ખબરી પાસેથી પાકા પાયે માહિતી મળી હોવાથી આરોપીને પકડવા પોલીસ-કૉન્સ્ટેબલો રિક્ષાચાલક અને શાકભાજી વેચનારા ફેરિયા બન્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના ઘાટકોપર એકમને માહિતી મળી હતી કે ઉત્તર પ્રદેશના વારાણસીથી રિતેશ સિંહ શસ્ત્રો લઈને મહાનગરી એક્સપ્રેસ દ્વારા રવિવારે ઘાટકોપર (વેસ્ટ)માં આવશે, જેને પગલે પોલીસે છટકું ગોઠવ્યું હતું. રિતેશ સિંહની ઓળખ થતાં જ કૉન્સ્ટેબલોએ શસ્ત્રોના જથ્થા સાથે તેને પકડી લીધો હતો.

પોલીસતપાસમાં જાણ થઈ હતી કે રિતેશ સિંહ શસ્ત્રો સપ્લાય કરવાનું કામ કરે છે. બિહારમાંથી તે ગેરકાયદે શસ્ત્રો ખરીદી દેશના બીજા ભાગોમાં પૂરાં પાડે છે. તેની પાસેથી પકડાયેલી પિસ્તોલ ૭.૬૫ મિલીમીટરની છે અને એના પર વિદેશનો માર્કો છે. આ પિસ્તોલ દેશી બનાવટની છે કે વિદેશી એની તપાસ થઈ રહી છે. વળી તે આ શસ્ત્રો કોને સપ્લાય કરવાનો હતો એ વિશે પણ તપાસ ચાલુ છે. આ શસ્ત્રોનો ઉપયોગ સુધરાઈની ચૂંટણીમાં થવાનો હોવાની પોલીસને શંકા છે.