નાના ભાઈએ રૂ. 500 ન લીધા એટલે મોટા ભાઈએ તેનો જીવ લઈ લીધો

03 July, 2017 03:50 AM IST  | 

નાના ભાઈએ રૂ. 500 ન લીધા એટલે મોટા ભાઈએ તેનો જીવ લઈ લીધો


અનુરાગ કાંબળે

કુટુંબમાં સામાન્ય રીતે ઉધાર પૈસા પાછા ન આપવાના મુદ્દે ઝઘડા થતા હોય છે, પણ દાદરની નાયગાંવ ચાલમાં પૈસાની મદદ ન સ્વીકારવાના મુદ્દે પરિવારમાં ઝઘડો થયો હતો. આ ઝઘડામાં મોટા ભાઈએ નાના ભાઈને બૅટથી ફટકારીને ૭૫ વર્ષની માની નજર સામે મારી નાખ્યો હતો. આ કેસમાં ભોઈવાડા પોલીસે હત્યાનો કેસ નોંધીને મોટા ભાઈની ધરપકડ કરી છે.

શનિવારે આરોપી કાલિદાસ મકવાણા દારૂના નશામાં હતો અને મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેની પરેલના કામગાર મેદાનથી ધરપકડ કરી હતી.

ભોઈવાડા પોલીસે જણાવ્યા પ્રમાણે ૭૫ વર્ષનાં મધુ મકવાણા બે પુત્રો ૩૫ વર્ષના કાલિદાસ અને ૨૭ વર્ષના મુકેશ સાથે ન્યુ BDD ચાલમાં રહે છે. મધુ મકવાણા KEM હૉસ્પિટલના ક્લીનિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં હતાં. તેઓ નિવૃત્ત થયા બાદ તેમના પુત્ર કાલિદાસને એ નોકરી આપવામાં આવી હતી. કાલિદાસ હંમેશાં દારૂના નશામાં રહેતો હોવાથી પત્ની સાથે પણ તેના છૂટાછેડા થઈ ગયા હતા.

શનિવારે કાલિદાસને પગાર મળ્યો હતો. તે રાતે નવ વાગ્યે દારૂના નશામાં ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ તેણે મમ્મીને ૨૦૦૦ રૂપિયા માસિક ખર્ચ પેટે આપ્યા હતા અને ૫૦૦ રૂપિયા મુકેશને આપ્યા હતા, પરંતુ મુકેશે તેની મદદ સ્વીકારી નહોતી એટલે કાલિદાસને ખોટું લાગી ગયું હતું. તેણે મુકેશ સાથે ઝઘડો કર્યો હતો તેમ જ અડધો કલાક બાદ બૅટ લઈને મુકેશ પર હુમલો કર્યો હતો. મધુબહેને પરિસ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી, પરંતુ કાલિદાસે તેમના તરફ ધ્યાન જ આપ્યું નહોતું. તે સતત મુકેશ પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે તેને જખમી કર્યો હતો. થોડી વાર પછી મધુબહેને પાડોશીઓને જાણ કરી હતી. તેઓ મુકેશને હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે મૃત ઘોષિત કર્યો હતો. એ દરમ્યાન કાલિદાસ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

ભોઈવાડા પોલીસે કાલિદાસ વિરુદ્ધ કેસ નોંધીને તેની શોધ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૪ના અધિકારીઓને કાલિદાસ વિશે માહિતી મળતાં તે શહેરમાંથી ભાગી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરી હતી અને ભોઈવાડા પોલીસને સોંપવામાં આવ્યો હતો.