પવઈમાં રસ્તા પર હાથલારી ઊભી રાખવાના મામૂલી ઝઘડામાં યુવકની હત્યા કરાઈ

20 February, 2020 11:30 AM IST  |  Mumbai Desk

પવઈમાં રસ્તા પર હાથલારી ઊભી રાખવાના મામૂલી ઝઘડામાં યુવકની હત્યા કરાઈ

અંધેરી-ઈસ્ટના પવઈ વિસ્તારમાં રસ્તા પર હાથલારી ઊભી રાખવાના મામૂલી ઝઘડામાં બે મિત્રે ચાકુના ઉપરાઉપરી ઘા મારીને એક યુવાનની હત્યા કરવાની ચોંકાવનારી ઘટના મંગળવારે રાત્રે બની હતી. આ મામલામાં પોલીસે સીસીટીવી કૅમેરા સહિતની માહિતીને આધારે બહારગામ ભાગી રહેલા બન્ને આરોપીની ગણતરીના કલાકમાં ધરપકડ કરી હતી.
પવઈ પોલીસને મંગળવારે રાત્રે પવઈમાં સાધના હોટેલ પાસે ગોખલે નગરમાં બે યુવકે એક યુવકની ધારદાર શસ્ત્ર વડે હુમલો કરીને હત્યા કરવાની જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ગંભીર રીતે ઘવાયેલા ૩૦ વર્ષના અમોલ સુરડકર જે ઝોમૅટો ડિલિવરી બૉય હતો તેને નજીકની હિરાનંદાની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી, પરંતુ તેના શરીરમાંથી વધારે પ્રમાણમાં લોહી વહી જતાં તે મૃત્યુ પામ્યો હતો.
ગુનાની ગંભીરતાથી નોંધ લઈને પોલીસે હત્યારાઓને પકડવા તાત્કાલિક રીતે બે ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં જણાયું હતું કે પવઈમાં રહીને ફળ વેચતા ૨૦ વર્ષના સચિન સિંહ અને તેના ૩૨ વર્ષના મિત્ર જિતેન્દ્ર ઉર્ફે પ્રાણે આ હુમલો કર્યો છે. રસ્તામાં હાથલારી રાખવા બાબતે ઝઘડો થયા બાદ આ હત્યા થઈ હોવાનું જણાયું હતું. હુમલા બાદ સચિન સિંહ ઉત્તર પ્રદેશ જવા માટે કુર્લા ટર્મિનસ પહોંચ્યો હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાંથી તેની ધરપકડ કરી હતી, જ્યારે તેના મિત્રને પવઈના ઘરેથી બાદમાં ઝડપી લેવાયો હતો.
ઝોન-૧૦ સાકીનાકા વિભાગના અસિસ્ટન્ટ કમિશનર મિલિંદ ખેતલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હત્યાના ગણતરીના કલાકમાં આરોપીઓને ઝડપી લેવાયા હતા. મામૂલી ઝઘડામાં તેમણે અમોલ સુરડકરની છાતી અને શરીરના ભાગો પર ચાકુના ઉપરાઉપરી ઘા માર્યા હતા. આરોપીઓ સામે પવઈ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમો ૩૦૨ અને ૩૪ હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરાઈ હતી.’

mumbai Crime News mumbai crime news powai